ભાવનગરમાં આવેલા વિવિધ દૈવી મંદિરો, શક્તિ પીઠોમાં અષ્ટમી પર્વ નિમિત્તે હોમ-હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

843

છેલ્લા સાત દિવસથી આદ્ય શક્તિ માઁ જગદંબાના પાવન પર્વ નવલાં નોરતાંની લોકો કરી રહ્યા છે ઉજવણી
નવલા નોરતાનો તહેવાર નવરાત્રિ હવે સમાપન તરફ આગળ વધી રહ્યો છે. નવરાત્રિનો વર્ષ 2021 વિર વિક્રમ સંવંત 2078ના આસોસુદ નવલાં નોરતાંમાં તિથિ ક્ષયને પગલે એક નોરતું ઓછું છે. જેને પગલે આજે બુધવારે આઠમ તિથિ અન્વયે ભાવનગરમાં આવેલા વિવિધ દૈવી મંદિરો શક્તિ પીઠોમાં અષ્ટમી પર્વ નિમિત્તે હોમ-હવન સહિતના કાર્યો સાથે નવરાત્રિનો સમાપનનો દોર શરૂ થશે.

ભાવનગર સહિત સમગ્ર દેશમાં છેલ્લા સાત દિવસથી આદ્ય શક્તિ માઁ જગદંબાના પાવન પર્વ નવલાં નોરતાંની ઉજવણી લોકો કરી રહ્યાં છે. આનંદ ઉમંગ અને ઉત્સાહના અનેરા પર્વ નવરાત્રિમાં ખેલૈયાઓ ખુબ મન મુકીને ગરબે ઘુમ્યાં છે. ત્યારે હવે આ આસ્થાના અનેરાં પર્વનો સમાપનનો દૌર નજીક આવી પહોંચ્યો છે. આ વર્ષે આસોસુદ નવરાત્રિમાં એક તિથિનો ક્ષય હોવાનાં કારણે નવને બદલે આઠ નોરતા જ હોવાથી ગુરુવારે નવમું નોરતું અને શુક્રવારે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે હિંન્દુ સમાજમાં નવરાત્રિમાં આઠમ અને નોમના દિવસે તથા કેટલાક પરીવારોમાં નવરાત્રિના સમાપન પ્રસંગે તથા કુળદેવીઓની આદી પરંપરા મુજબ આઠમ, નોમ કે દશેરાના દિવસે હોમાત્મક યજ્ઞ યજ્ઞાદિ કાર્યો દ્વારા નવરાત્રિનું સમાપન કરવામાં આવે છે. જોકે, અનેક સમાજો આપણે ત્યાં એવાં પણ વસે છે કે જેઓ આસોસુદ એકમથી આસોસુદ પૂનમ સુધીના દિવસોને નવરાત્રિ પર્વ તરીકે ઉજવે છે, પરંતુ મોટાભાગે આઠમની તિથિથી નવરાત્રી સમાપન શરૂ થતું હોય છે. જેથી આજરોજ ભાવનગર શહેર-જિલ્લામાં આવેલા અનેક આસ્થાના કેન્દ્ર બિંદુઓ જેમાં દૈવી મંદિરો શક્તિ પીઠો તથા મઢમાં પુરાણોકત-શાસ્ત્રોક્ત તથા કુળની પરંપરા મુજબ નૈવેદ્ય ધરવા સાથે હોમાત્મક હવન જેવા કાર્યોના અંતે નવલાં નોરતાની ઉજવણી સંપન્ન થશે.