ભાવનગરમાં જાગૃત વાલી મંડળ દ્વારા ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા માગ કરી

722

વહેલીતકે વર્ગો શરૂ કરવામા ના આવે તો બાળકોનું ભવિષ્ય ધૂંધળું થવાની ભીતિ
ભાવનગર શહેર જાગૃત વાલી મંડળ દ્વારા ડીઈઓને આવેદનપત્ર પાઠવી એવાં પ્રકારે રજૂઆત કરી છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં લાંબા સમયથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ છે, પરિણામે બાળકોના પાયાનાં ઘડતરમાં જે એજ્યુકેશન મળવું જોઈએ એ ન મળતાં અભ્યાસ કરતાં બાળકોનાં ભવિષ્યને ન પૂરી કરી શકાય એ હદે ખોટ-નુકસાન થયું છે આથી વહેલી તકે ધોરણ 1 થી 5 નું શિક્ષણકાર્ય શાળાઓમાં રાબેતા મુજબ શરૂ કરવા માંગ કરી છે. ભાવનગર શહેર-જિલ્લામાં કેજી એલકેજી સાથે ધોરણ 1માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ બે વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના અભ્યાસ કર્યા વિના વર્ગ 3 તથા 4 સુધી પહોંચી ગયા છે વિના અભ્યાસે આગળના ધોરણમાં મોકલવામાં આવેલ વિદ્યાર્થીઓ ને વાંચતા લખતા કે શિક્ષણ નું તદ્દન મૌલિક જ્ઞાન પણ નથી અને જો સ્થિતિ આમને આમ જ રહી તો બાળકોનું ભવિષ્ય ધૂંધળું બનવા સાથે અંધકારમય થઈ જશે આવી વાત ભાવનગર શહેર જાગૃત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે. આજરોજ રાજ્યના શિક્ષણમંત્રીને સંબોધતુ આવેદનપત્ર ડીઈઓને પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે અથવા દિવાળી બાદ ખુલતાં વેકેશન સાથે શહેર-જિલ્લામાં આવેલી સરકારી, ખાનગી તમામ શાળાઓમાં ધોરણ 1 થી 5 ના વર્ગો રાબેતા મુજબ શરૂ કરવામાં આવે દેશમાં આવનારા સમયમાં કોરોના ની ત્રીજી લહેરની કોઈ સંભાવના નથી અને નજીકના દિવસોમાં કોવિડ વેક્સિનેશનથી બાળકોને પણ રક્ષિત કરવામાં આવનાર હોવાનું કેન્દ્ર સરકાર જણાવે છે. ત્યારે શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય બહાલ કરવું જરૂરી નહીં પરંતુ હવે અનિવાર્ય બન્યું હોવાનું જણાવ્યું હતું. મીરાબેન પંડ્યા બાળકના વાલીએ જણાવ્યું હતું કે, મારું બાળક સ્કૂલ ગયા વગર ચોથા ધોરણમાં પહોંચી ગયું છે, અમે આજે ડીઈઓને રજુઆત કરવા આવ્યા છીએ કે જાગૃત વાલીઓ તરીકે હવે સરકાર પણ દિવાળી ગિફ્ટ તરીકે બાળકો ને વેક્સીન આપવાની છે ત્યારે હવે ઘોરણ 1 થી 5 ની સ્કૂલો શરૂ કરો જેથી કરી ને બાળકો ભણી શકે.