પંજાબ કિંગ્સની ટીમને છોડી શકે છે કેપ્ટન લોકેશ રાહુલ

280

નવી દિલ્લી, તા.૧૪
આઈપીએલ ૨૦૨૧માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે પ્લેઓફમાં પણ પહોંચી શક્યું નહીં. જોકે ટીમના કેપ્ટન લોકેશ રાહુલે આખી ટુર્નામેન્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. રાહુલે ૧૩ મેચમાં ૬૨.૬૦ની એવરેજથી ૬૨૬ રન બનાવ્યા. જેમાં ૬ અડધી સદીનો સમાવેશ થાય છે. ૨૯ વર્ષના રાહુલે ૨૦૧૮માં પંજાબની ટીમ જોઈન કરી હતી અને ત્યારથી તે દરેક સિઝનમાં સારું પ્રદર્શન કરતો આવ્યો છે. તેણે ટીમ માટે છેલ્લાં ચાર વર્ષમાં સતત ૫૦૦થી વધારે રન બનાવ્યા છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રાહુલ પોતાને પંજાબ ટીમમાંથી અલગ કરવા માગે છે. એક રિપોર્ટ પ્રમાણે રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સ માટે રમવા ઈચ્છતો નથી. રિપોર્ટ પ્રમાણે લોકેશ રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સનો ભાગ નહીં હોય અને તેના મેગા ઓક્શનમાં સામેલ થવાની સંભાવના છે. તેવી માહિતી પણ સામે આવી છે કે કેટલીક ફ્રેન્ચાઈઝીએ રાહુલનો સંપર્ક કર્યો છે. અને તેમણે આ સ્ટાર બેટ્‌સમેનને પોતાની ટીમમાં લેવાની રૂચિ પણ બતાવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી મેગા ઓક્શનના રિટેન્શન નિયમોની જાહેરાત કરી નથી. જેના કારણે ફ્રેન્ચાઈઝીઓ માટે ઉપલબ્ધ થનારી રિટેન્શન અને રાઈટ ટૂ મેચ કાર્ડની સંખ્યા વિશે શંકા છે. હાલ લોકેશ રાહુલ યૂએઈમાં છે અને પંજાબના આઈપીએલમાંથી બહાર થયા પછી તે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના બાયો બબલ સાથે જોડાઈ ગયો છે. આઈપીએલની આગામી સિઝનમાં બે નવી ટીમ રમશે. જેની જાહેરાત ૨૫ ઓક્ટોબરે થવાની છે. એવામાં આ બે ટીમ લોકેશ રાહુલને હરાજીમાં ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. લોકેશ રાહુલ આઈપીએલમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્‌સમેન છે. આ મામલામાં તે શોન માર્શને પાછળ છોડી ચૂક્યો છે. રાહુલના નામે પંજાબ માટે ૫૫ ટી-૨૦ મેચમાં ૫૬.૬૨ની એવરેજથી ૨૫૪૮ રન છે. આ દરમિયાન તેના બેટમાંથી ૨ સદી અને ૨૨ અડધી સદી નીકળી છે.

Previous articleઆઠમા નોરતે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કન્યાપૂજન કર્યું
Next articleપાકિસ્તાન નહીં સુધરે તો ફરીવાર સર્જિકલ સ્ટ્રાઈક કરાશે : અમિત શાહ