આઠમા નોરતે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કન્યાપૂજન કર્યું

140

મુંબઈ,તા.૧૪
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દરેક તહેવારને ઉત્સાહથી ઉજવવાની સાથે તેની સાથે જોડાયેલા પૂજાપાઠ પણ કરે છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે ઘટસ્થાપન કર્યું છે. શિલ્પા દરરોજ માતાજીની આરાધના કરે છે. અલગ અલગ દિવસે માતાજીને કરેલા શણગાર અને પૂજાની ઝલક એક્ટ્રેસ બતાવતી રહે છે. બુધવારે આઠમું નોરતું હતુ. આઠમા નોરતે મહાગૌરીનું પૂજન થાય છે. આજના દિવસને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. દર વર્ષની જેમ શિલ્પાએ આ વર્ષે પણ કન્યાઓને પોતાના ઘરે બોલાવીને તેમની પૂજા કરી હતી. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી કન્યા પૂજનની ઝલક બતાવી છે. શિલ્પાએ નાની-નાની કુંવારિકાઓને પોતાના ઘરે બોલાવીને તેમનું પૂજન કર્યું હતું અને તેમને ભોજન કરાવ્યું હતું. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો શેર કર્યો છે જેમાં તે કુંવારિકાઓની આરતી ઉતારતી જોવા મળે છે. આ ઉપરાંત શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આઠમના દિવસની પૂજાની ઝલક પણ બતાવી હતી. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી જેમાં તે કન્યાઓને ભોજન પીરસતી જોવા મળે છે. શિલ્પાના હાથમાં પૂરીથી ભરેલી થાળી છે અને ભાવપૂર્વક કન્યાઓને પીરસી રહી છે. ગત વર્ષે કોરોના કાળમાં પણ શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે કુંવારિકાઓને ભોજન કરાવ્યું હતું. શિલ્પા શેટ્ટી ૨૦૨૦માં જ દીકરીની મા બની હોવાથી તેણે તેની પણ પૂજા કરી હતી. જોકે, દીકરીના પગ ધોતાં પહેલા શિલ્પાએ અન્ય આમંત્રિત કુંવારિકાઓની પૂજા કરી હતી અને તેમના પગ ધોયા હતા. ત્યારબાદ તેણે અને નાની બહેન શમિતાએ કન્યાઓને ભોજન પીરસ્યું હતું. જોકે, આ વખતે શિલ્પાની બહેન શમિતા રિયાલિટી શો ’બિગ બોસ ૧૫’ના ઘરમાં બંધ હોવાથી તેણે એકલીએ જ પૂજા કરી હતી.