ઉમરાળા અને વલ્લભીપુર ખાતે દશેરા નિમિતે શસ્ત્રપૂજન કરાયું, મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું

5885

વિજયાદશમીના પાવન પ્રસંગે શહેરમાં યુવા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. રાજપૂત છાત્રાલયથી આવડ માતાના મંદિર સુધી બાઈક રેલી સ્વરૂપે નીકળી હતી. આ રેલીમાં ઘોડેસવાર યુવાનો દ્વારા રાજપૂત સમાજના પરંપરાગત વસ્ત્ર પહેરીને શૌર્યનો માહોલ રચાયો હતો. ત્યારબાદ શસ્ત્રોની પૂજનવિધિ કરવામાં આવી હતી.

દૈવી તત્ત્વ સામે દાનવ તત્વ હંમેશા પરાસ્ત થાય છે તેની યાદ અને સંસ્કારો પેઢી દર પેઢીના આગળ વધતાં રહે અને હંમેશા સત્ય સર્વોપરી રહે છે તેની યાદી કરાવતી રહે તે પરંપરાના ભાગરૂપે પ્રતિવર્ષ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ શસ્ત્ર પૂજન વિધી કાર્યક્રમમાં વલ્લભીપુરના ઠાકોર રાઘવેન્દ્રસિંહજી, વલભીપુર તાલુકા રાજપૂત યુવા પ્રમુખ વિરમદેવસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, અસત્ય પર સત્યના વિજય, અન્યાય પર ન્યાયનાં વિજય અને અધર્મ પર ધર્મનાં વિજય સમાન આ પર્વ આપણને શીખવે છે કે તમારી પાસે માથા (સંખ્યા) કેટલાં છે એ અગત્યનું નથી. પરંતુ તમારો માર્ગ કયો છે (સત્ય કે અસત્યનો) એ અગત્યનું છે. તમારો માર્ગ જો સત્યનો હશે તો ભલે તમે સંખ્યા બળમાં ઓછા હશો છતાં વહેલા કે મોડા વિજય તમારો જ થશે તેમ રામાયણ આપણને શીખવે છે.

ભગવાન શ્રીરામે રાવણ સામે યુદ્ધમાં મેળવેલા વિજયની યાદમાં પ્રતિવર્ષ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. અસત્ય પર સત્યના વિજયની યાદમાં દર વર્ષે દશેરાના પર્વની ઉજવણી મોટા પાયા પર સમગ્ર દેશમાં કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં દુર્ગા પૂજાનો તહેવાર પણ ગુજરાતમાં જેમ દિવાળી પર્વની જેમ આ સમયે ઉજવવામાં આવે છે. ફાફડા જલેબી અને ચોળાફળીની જ્યાફત સાથે આપણે આ તહેવાર ભારે ઉત્સાહ સાથે ઉજવીએ છીએ. આજરોજ ઉમરાળા તાલુકા રાજપૂત સમાજ, ઉમરાળા તાલુકા યુવા ક્ષત્રિય સમાજ તેમજ ઉમરાળા તાલુકા કરણી સેના દ્વારા વિજયાદશમી નિમિતે શસ્ત્રપૂજન નું રણજીતસિંહજી બાપુ(લીમડાં હનુભાના )ક્ષત્રિય સમાજ ભવન, ધોળાં જં.(રેલવે સ્ટેશન ની સામે) ખાતે આયોજન કર્યું હતું ત્યારે બાદ સવારે 10 થી બપોરના 3 કલાક સુધી મહારક્તદાન કેમ્પનું સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ- ટીંબીના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતું, આ મહારક્તદાન કેમ્પમાં ઉમરાળા તાલુકા રાજપૂત સમાજના આગેવાનો, વડીલો, હોદ્દેદારો, કારોબારી સભ્યો, ઉમરાળા તા.યુવા ક્ષત્રિય સમાજ ની સમગ્ર ટીમ તથા સમગ્ર જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાઈઓ રક્તદાન કર્યું હતું.