નવરાત્રીમાં માતાજીની ઉપાસના માટે વપરાયેલી ગરબાઓના નિકાલનો અનુપમ ઇલાજ શોધતો ભાવનગરનો નિજાનંદ પરિવાર

290

આ ગરબામાંથી ‘ચકલીનું ઘર’ બનાવીને ‘નિજાનંદ પરિવાર’ના તમામ સભ્યોને પરત કરવામાં આવશે : વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો નૂસકો
આધ્યશક્તિની આરાધનાનું પર્વ હજુ બે દિવસ પહેલાં જ પૂર્ણ થયું છે. પરાપૂર્વથી ગરબો અને નવરાત્રી એક બીજાના પૂરક બની રહ્યાં છે. આ નવરાત્રીમાં માતાજીની આરાધના માટે નવે દિવસ મટકીમાં દીવો કરીને ‘ગરબો’ માતાજીની આરાધના માટે ઘૂમાવીએ છીએ. નવરાત્રી બાદ આ ગરબાને આપણે જળમાં કે અન્ય જગ્યાએ પધરાવીએ છીએ. જો તેને નદીમાં પધરાવીએ તો જળ પ્રદૂષણ થાય છે. જો તેને અન્ય જગ્યાએ પધરાવીએ તો થોડા સમય બાદ તે આપણી આસ્થાને ઠેસ પહોંચે તેવી નધણીયાત દશામાં જોવાં મળે છે. આ બધાં વચ્ચે ભાવનગરની સેવાભાવી સંસ્થા ‘નિજાનંદ પરિવાર’ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો નૂસકો લઇને આવી છે. જેથી પર્યાવરણના રક્ષણ સાથે પ્રકૃતિનું પણ જતન થશે. આ પરિવારના સભ્યોને આ પરિવાર ગરબાને ‘ચકલીના ઘર’માં પરિવર્તિત કરીને પરત આપશે. જેથી ચકલીની ઘટતી જતી વસતિને જાળવી રાખવાં માટે પણ મદદ મળશે. આમ, ગરબાનું વિસર્જન એ ચકલીના રહેવાં માટેના ઘરના સર્જન માટેનું નિમિત્ત બનશે. પર્યાવરણ અને નાના જીવ પ્રત્યેની અનુકંપા સાથેનું આ કાર્ય નાનું જરૂર છે પણ અનુકરણીય છે. આ સંસ્થા દ્વારા સમાજના અન્ય લોકોને પણ આ રીતે ગરબાનો સદઉપયોગ કરવાં માટેની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા વ્યક્તગત સ્વાર્થ વગર પર્યાવરણ, આરોગ્ય, જનજાગૃતિ, ગૌ સેવા, નિરાધારોને કીટ વિતરણ, પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને આધાર બનવાં જેવાં સંવેદનશીલ સમાજ સેવાના કાર્યો કરતી આવી છે.