રામ રહિમ સહિત પાંચને આજીવન કેદની સજા કરાઈ

160

સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા સજાના એલાન પહેલા હરિયાણાના પંચકૂલામાં સુરક્ષા કડક કરી દેવાઈ
નવી દિલ્હી, તા.૧૮
ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમને હત્યાના કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે સોમવારે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ સિવાય ચાર અન્યને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. રામ રહીમ અને અન્યને વર્ષ ૨૦૦૨માં પૂર્વ ડેરા મેનેજર રંજીત સિંહની હત્યાના કેસમાં ૮ ઓક્ટોબરે દોષી ઠેરવ્યા હતા. રામ રહીમ પર ૩૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. સજાના એલાન પહેલા હરિયાણાના પંચકૂલા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરતા કલમ-૧૪૪ લાગુ કરી દેવાઈ છે. ઓગસ્ટ ૨૦૧૭ની હિંસાને જોતા રામ રહીમ સાથે જોડાયેલા કોઈ પણ કેસમાં સુનાવણી કે પછી સજાના એલાન પહેલા સુરક્ષા વ્યવસ્થાને વધારી દેવાય છે. વર્ષ ૨૦૧૭માં બળાત્કારના કેસમાં રામ રહીમને દોષી ઠેરવ્યા બાદ ૩૬ લોકો માર્યા ગયા હતા.
ગઈ સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટથી ડેરા પ્રમુખ માટે મોતની સજાની માગ કરવામાં આવી હતી. પોતે રામ રહીમે રોહતક જેલમાંથી વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા દયાની અરજી કરી હતી. રામ રહીમ જેલમાં બે અનુયાયીઓની સાથે બળાત્કાર કરવા માટે ૨૦ વર્ષની સજા કાપી રહ્યા છે. રામ રહીમે કોર્ટની સામે દયાની અરજી લગાવતા બ્લડ પ્રેશર, આંખ અને ગુર્દા સંબંધિત પોતાની બીમારીઓનો પણ હવાલો આપ્યો હતો. સીબીઆઈએ ડેરા પ્રમુખની અરજીનો વિરોધ કરતા કહ્યુ હતુ કે પીડિતે તેને ભગવાનની જેમ માન્યા અને આરોપીએ તેમના વિરૂદ્ધ ગુનો કર્યો. એજન્સીએ એ પણ કહ્યુ કે તેમનો ગુનાકીય ઈતિહાસ રહ્યો છે. એવામાં એજન્સીએ રામ રહીમ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૨ હેઠળ વધારે સજાની માગ કરી હતી. રંજીત સિંહની વર્ષ ૨૦૦૨માં ૧૦ જુલાઈએ હત્યા કરી દીધી હતી. આ કેસની તપાસ સીબીઆઈએ કરી અને સમગ્ર કેસ સીબીઆઈની વિશેષ કોર્ટમાં જ ચાલ્યો. ઘટનાના ૧૯ વર્ષ વીત્યા બાદ આ મહિનાની શરૂઆતમાં રામ રહીમ સહિત પાંચ લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કેસની સમગ્ર ચર્ચા ૧૨ ઓગસ્ટે પૂરી કરી દેવાઈ હતી. સીબીઆઈએ ત્રણ ડિસેમ્બર ૨૦૦૩એ આ કેસમાં એફઆઈઆર નોંધી હતી. રામ રહીમને એક પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં ઉંમરકેદની સજા સંભળાવી હતી. તેઓ રોહતકની સુનારિયા જેલમાં સજા સંભળાવ્યા બાદથી જ બંધ છે.