ભાવનગર શહેરમાં‘જશ્ને ઇદે-મુલાદુન્નબી’ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામા આવી, ઝુલુસ મોકુફ રખાયું

7101

મસ્જીદો, દરગાહ શરીફ સહિત ધાર્મિક સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું

ઇસ્લામનાં મહાન પયગમ્બર સાહેબની આજે ઇદે-એ-મિલાદ, વિલાદત (જન્મદિવસ)ની ઉજવણી આજે ભાવનગર શહેરમાં સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે થઇ હતી, હાલનાં કોરોના મહામારીને ઘ્યાને લઇ ભાવનગર શહેરમાં ઇદે-એ-મિલાદનું ઝુલુસ મૌકુફ રાખવામાં આવ્યું હતું. જયારે આજે ઇદ-એ-મિલાદ નિમિત્તે ભાવનગર શહેરની મસ્જીદો, મદ્રેસાઓમાં ધાર્મિક કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ભાવનગર શહેરનાં ચાવડીગેટ વિસ્તારમાં આવેલ હઝરત રૌશન ઝમીર પીર મહંમદશાબાપુની વાડી ખાતે મુસ્લીમ બિરાદરોએ સલાતો સલામ કરી ફુલની ચાદર ચડાવી સામુહિક દુઆ કરવામાં આવી હતી. હઝરત સૈયદ કાદરી રફીકબાપુએ દુઆ કરી હતી. દેશમાં કૌમી એકતા ભાઇચારો અને એખલાસનો માહોલ કાયમ રહે અને વિશ્વભરમાંથી કોરોના વાઇરસ જેવી બિમારી દૂર થાય તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી તેમજ દરગાહ શરીફમાં સલાતોસલામ પઢાવવામાં આવી હતી તેમજ દરગાહ શરીફમાં હુઝુર (સલ્લલ્લાહો અલેહે વસ્સલમ)ના ‘‘બાલ મુબારક’’ની ઝિયારત અને ન્યાઝ (પ્રસાદ) સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જયારે ઇદ-એ-મિલાદ નિમિત્તે ભાવનગર શહેરનાં મુસ્લિમ વિસ્તારો લાઇટ ડેકોરેશન, ઇસ્લામી મિશાલ અને બેનરો સાથે શણગારવામાં આવ્યા હતા, ગત રાત્રે શહેરમાં રોશની નિહાળવા લોક સમુદાય એકત્રિત થયો હતો અને ઇદે-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉપરાંત કેટલાય વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ભાવનગર શહેરનાં સરકારી સર ટી. હોસ્પિટલમાં શહેરના સ્નેહ મિલન સોસાયટીમા્ર આવેલ નુરી મસ્જીદનાં આગેવાનો દ્વારા હોસ્પિટલમાં તમામ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ભાવનગર શહેરની જુમ્મા મસ્જીદમાં પણ ગત રાત્રે વાઇઝ, નાત શરીફ, ન્યાઝ શરીફ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં ઉપસ્થિત મૌલાના, આલીમ સાહેબોએ ઇદે-એ-મિલાદનું મહત્વ સમજાવ્યું હતું. આ વર્ષે કોરોના મહામારીને ઘ્યાને રાખી આ તહેવાર સંપૂર્ણ સાદગીપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આજે આખો દિવસ મુસ્લિમ વિસ્તારોમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી, પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી મસ્જીદો પાસે પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

Previous articleભાવનગર એસટી ડિવિઝન ખાતે કર્મચારીઓ દ્વારા ઘંટનાદ-સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો
Next articleત્રણ મહિનાના વિરામ બાદ ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસ શરૂ થઈ, દિવાળી સમયે ભાવનગર અને સુરત વાસીઓનો સમય અને ખર્ચ બચશે