શરદપૂર્ણિમાની ગોહિલવાડમાં ઉત્સાહ ભેર ઉજવણી, શહેરીજનોએ ઊંધિયું, ગુલાબજાંબુ, દહીંવડાની મનમૂકીને ખરીદી કરી

9

શાકભાજીની ભારે અછતને પગલે આ વર્ષે ઊંધિયાના ભાવમાં વધારો
ભાવનગરમાં આજે આસોસુદ પૂનમ એટલે કે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. આધ્યાત્મિકતા અને સ્વાદોત્સવનો સમન્વય એટલે શરદપૂનમ ત્યારે ઊંધિયું, દહીંવડા સહિતના સ્વાદિષ્ટ વ્યંજનોનો આસ્વાદ આજે બુધવારે ભાવનગરીવાસીઓએ મનભરીને માણ્યુ હતું.

દર વર્ષે સ્વાદપ્રિય ભાવનગરવાસીઓ શરદપૂનમની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છે. જોકે, આપણે ત્યાં ઊંધિયું માત્ર શરદપૂનમે જ બને છે એવું પણ નથી ટેસ્ટી વાનગીઓ આરોગવામા અગ્રેસર ભાવેણા વાસીઓ વાર-તહેવાર કે પ્રસંગોપાત પણ ઊંધિયાને આરોગવા માટે અગ્રતા આપે જ છે ત્યારે શરદપૂનમે આખો દિવસ ઉંધીયુ, દહીંવડા, ગુલાબજાંબુ, પંજાબી સમોસા, સહિતના રસાદાર વ્યંજનોનો લુપ્ત શહેરીજનોએ ઉઠાવ્યો હતો. શહેર તથા જિલ્લામાં શરદપૂનમના એક દિવસ અગાઉથી જ ઉંધીયુ, દહીંવડા સહિતની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. શહેરના નાના મોટા તમામ વિસ્તારમાં મિઠાઈ-ફરસાણના વેપારીઓથી લઈને દર વર્ષે જાહેર રસ્તાઓને અડીને મંડપ-શમીયાણાઓ ઉભા કરી ઊંધિયાનું વેચાણ કરવામાં આવ્યું છે. શરદ પૂનમના રોજ સવારથી જ સ્વાદપ્રિય શહેરીજનોએ ઉંધીયુ ખરીદવા કતારો લગાવી હતી. ભાવનગરના લોકોના ફેવરિટ વ્યંજનો પૈકી ઊંધિયું-પુરીનો સમાવેશ સૌથી વધુ હોય છે. શાકભાજીની ભારે અછતને પગલે આ વર્ષે ઊંધિયાના ભાવમાં ભારે વધારો જોવા મળશે. જેનાં કારણે મધ્યમ-ગરીબ વર્ગના લોકો માટે શરદપૂનમની ઉજવણી મોંઘી બનશે. જોકે, તેમછંતા શહેરીજનો ઢળતી સાંજે શહેરમાંથી ઉંધીયુ, દહીંવડા સહિતના રસાસ્વાદ વ્યંજનોની ખરીદી કરી કૂડા, હાથબ, કોળીયાક, ઘોઘા સહિતના સમુદ્ર તટે પહોંચી શરદપૂનમની શિતળ ચાંદની વચ્ચે ઉજવણી કરશે.