ઘોઘા ગામે થયેલી યુવાનની હત્યાને પગલે પરીવાર નોધારો બન્યો, સેવાભાવીઓ તથા સમાજશ્રેષ્ઠીઓ તાકીદે આગળ આવી પરિવારની મદદ કરે તેવી અપીલ કરાઈ

7

યુવાનને તેના સગા કાકાએ મિલ્કત મામલે ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે તાજેતરમાં એક યુવાનને તેના સગા કાકાએ મિલ્કત મામલે ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ બનાવમાં પરીવારનું ભરણપોષણ કરતો એક માત્ર આધારસ્તંભ અકાળે છીનવાઈ જતાં ગરીબ પરીવાર ઓશીયાળો બન્યો છે. ત્યારે સેવાભાવીઓ તથા સમાજશ્રેષ્ઠીઓ તાકીદે આગળ આવી આ પરિવારની મદદ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
ઘોઘા ગામે રહેતો અને પશુપાલનનો વ્યવસાય કરી માતા-પિતા બે બાળકો તથા પત્ની મળી કુલ પાંચ વ્યક્તિઓનુ ભરણપોષણ-જીવન નિર્વાહ ચલાવતા યુવાન માર્શલ પટેલની તેનાં સગા કાકાએ મિલ્કત મામલે ચાલતા ઝઘડાને લઈને તાજેતરમાં ધારીયાના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવના ગણતરીના કલાકોમાં હત્યારો કાકો ઝડપાઈ ગયો હતો. પરંતુ હવે ખરી સમસ્યા એ ઉદ્દભવી છે કે મૃતક તેની પાછળ બે માસુમ સંતાનો પત્ની તથા વયોવૃદ્ધ માવતરને છોડી ગયો છે. આ સમગ્ર પરીવારમાં માર્શલ એકમાત્ર વ્યક્તિ હતો કે જે પશુપાલન કરી આજીવિકા રળી પરીવારનુ ભરણપોષણ કરતો હતો. આ યુવાન કંધોતરનું અકાળે અવસાન થતાં પરીવાર પર પહાડ જેવું દુઃખ આવી પડ્યું છે અને આ વિકટ વેળાએ સાંત્વના સાથે હૂંફ-લાગણીની આવશ્યકતા આ અપહ્યત પરીવારને મળે એ માટે સેવાભાવીઓ તથા સમાજશ્રેષ્ઠીઓ તાકિદે આગળ આવે અને આ પરીવારના હમદર્દ બની મૃતકની પત્નીને પગભર થવા સાથે વયોવૃદ્ધ માવતરને દિલાસો પાઠવવા સાથે જરૂરિયાત મુજબ મદદ કરવા ઘોઘા ગામના અગ્રણીઓએ હાકલ કરી છે.