ફિલ્મના પ્રમોશન વખતે શહેનાઝે સિદ્ધાર્થને યાદ કર્યો

6

મુંબઈ, તા.૨૦
સિદ્ધાર્થ શુક્લાના નિધનને ઘણાં દિવસો થઈ ગયા છે, પરંતુ તેના ફેન્સ હજી પણ તેના માટે દુખી છે. તેના પરિવારની સાથે સાથે તેની ખાસ મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ પણ ઘણી દુખી છે. સિદ્ધાર્થ શુક્લા આ દુનિયા છોડીને ગયો તેના ઘણાં સમય પછી પણ તે ગાયબ રહી હતી. શહેનાઝ સોશિયલ મીડિયા પરથી પણ ગાયબ થઈ ગઈ હતી. પરંતુ તાજેતરમાં જ તેણે હિંમત કરીને પોતાની અપકમિંગ ફિલ્મ હોંસલા રખના પ્રમોશનમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. જો કે, હજી પણ શહેનાઝની આંખોમાં પહેલીની જેમ ઉત્સુકતા જોવા નથી મળતી.તાજેતરમાં એક ઈન્ટર્વ્યુ દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકારો દિલજિત દોસાંઝ, સોનમ બાજવા અને શહેનાઝ ગિલની વાતચીત ચાલી રહી હતી તે સમયે બિગ બોસ ૧૩નો ઉલ્લેખ કરવામાં આવ્યો અને શહેનાઝે સિદ્ધાર્થને યાદ કર્યો હતો. આ કલાકારોને એકબીજાની લાક્ષણિકતાઓ જણાવવાનું કહેવામાં આવ્યુ હતું. દિલજિત વિષે શહેનાઝે કહ્યુ હતું કે, તેની ઘણી કૂલ પર્સનાલિટી છે. મને એવુ હતુ કે તેની સાથે કામ કરવામાં મજા આવશે. પરંતુ વાસ્તવમાં તે ઘણો જ રિઝર્વ્‌ડ અને પ્રોફેશનલ છે. શરુઆતમાં તે પોતાના કમ્ફર્ટ ઝોનમાં કોઈને પ્રવેશવા નથી દેતો. કો-સ્ટાર સાથે વાત પણ ના કરીએ અને પછી કેમેરાનો સામનો કરવાનો, એ મારા માટે મુશ્કેલ બાબત છે. પહેલાથી વાતચીત કરી હોય તો સરળતા રહે છે.દિલજીત અને સોનમને પણ આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા. વાતવાતમાં જ્યારે બિગબોસનો ઉલ્લેખ થયો તો શહેનાઝે મજાકમાં કહ્યું કે, આ જ કારણોસર બિગ બોસ ૧૩ની હિરોઈન હતી. જ્યારે સોનમે શહેનાઝની બિગ બોસની હિરો કહી તો શહેનાઝે તરત જ કહ્યું, હું બિગ બોસની હિરોઈન હતી, હીરો કોઈ બીજો હતો. અહીં શહેનાઝે ઈન્ડાઈરેક્ટરી સિદ્ધાર્થ શુક્લાનો ઉલ્લેખ કર્યો. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડીને સિડનાઝ તરીકે ઓળખવામાં આવે છે. ટુંક સમયમાં તેમનો એક વીડિયો રીલિઝ થશે જેનું નામ અધૂરા હશે.