પોલીસ કર્મીઓ આંદોલનના માર્ગે?

20

પોલીસ જવાનોના અભિયાનને પગલે ભારે ચર્ચા જાગી
ભાવનગર સહિત રાજ્યમાં પોલીસ કર્મીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન શરૂ કર્યું છે. પોલીસ કર્મીઓએ પગાર અને કામના નિશ્ચિત કલાકો ફિક્સ કરવાની માંગ સાથે અઘોષીત આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ કર્મીઓએ અભિયાન શરૂ કર્યુ છે તેવો એક મેસેજ વાયરલ થયો છે. સરકારી-અર્ધસરકારી ખાનની, કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ કે આમ જનતા દ્વારા વિવિધ મુદ્દે સરકાર કે તંત્ર સામે મોરચો માંડ્યો હોય એ વાત સહજ અને સ્વાભાવિક છે અને આ આંદોલનો ધરણાં કે વિરોધ પ્રદર્શનોને કાયદાના રખેવાળો કાયદા મુજબ ડામી દેતાં પણ નિહાળ્યા છે પરંતુ હવે ખુદ કાયદાના રખેવાળો જ પગાર અને કામના કલાકોને લઈને સરકાર સામે મોરચો માંડવા તૈયાર થયા છે! સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી પોલીસ કર્મીઓએ પોતાની માંગ સાથે અભિયાન શરૂ કર્યુ હોય તેવો મેસેજ વાઈરલ થયો છે. જેમાં એવો ઉલ્લેખ છે કે સરકારી કર્મચારીઓના લીસ્ટમાં પોલીસ જવાનોને સૌથી ઓછો ગ્રેડ-પે ચુકવવામાં આવે છે આજે અન્ય વર્ગના કર્મચારીઓ અધિકારીઓ સાતમા પગારપંચ સુધી પહોંચી ગયા છે, પરંતુ પોલીસ જવાનોને છઠ્ઠા પગારપંચ મુજબ જ પગાર ચુકવાઈ રહ્યો છે બીજો મુદ્દો ફરજ દરમ્યાન કામના કલાકોનો છે જેમાં જવાનો એવી માંગ કરી રહ્યાં છે કે સરકારી નોકરીમાં દરેક કર્મચારીઓના કામના કલાકો ફિક્સ છે તો પોલીસ જવાનોના શાં માટે નહીં ? આ બંને સળગતા સવાલો રાજ્ય તથા કેન્દ્ર સરકારના દરબારમાં બિન સત્તાવાર રીતે પહોંચી ગયા હતા. આ મુદ્દે સરકારે આજદિન સુધી કોઈ જ ગંભીરતા પૂર્વક નોંધ લેવામાં આવી નથી. આજે પોલીસ જવાન સમાજમાં પોતાની નૈતિક ફરજ બજાવે છે અનેક પ્રકારના પડકારો વચ્ચે પોલીસ જવાન ફરજ બજાવે છે ત્યારે આજદિન સુધી મૌન ધારણ કરી પોલીસ “કર્મો-પરમ ધર્મને હૈયે રાખી જવાબદારી વહન કરી રહ્યાં છે, પરંતુ હવે સહનશક્તિની હદ આવી છે અને પોલીસ જવાનના વર્તમાન તથા ભવિષ્યને ધ્યાને રાખીને દ્રઢ નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. જેથી સરકાર પગાર ગ્રેડ સાથે કામના કલાકો નક્કી ન કરે ત્યાં સુધી અઘોષીત આંદોલન રૂપે પોતાની ફરજ દરમિયાન બ્લેક રીબીન ધારણ કરશે અને જરૂર જણાયે સરકાર-તંત્ર સામે ખુલ્લો મોરચો માંડતા પણ ખચકાશે નહીં આવો મેસેજ વાયરલ થતા ભારે ચર્ચા જગાડી છે. જોકે, આ આંદોલન મુદ્દે ભાવનગરમાં એકપણ પોલીસ અધિકારી કે જવાને “મગનું નામ મરી” પાડ્યું નથી.!