એલસીબીએ તળાજા-મહુવા હાઈવે પરથી પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી

9

ટેન્કર, દારૂ-બિયર, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 28 લાખ નવ્વાણુ હજારનો મુદ્દામાલ કબ્જે
ભાવનગર એલસીબીની ટીમે ચોક્કસ બાતમીને આધારે ભાવનગર જિલ્લાના તળાજા-મહુવા હાઈવે પરથી ગેસ કંન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવી રહેલ લાખોની કિંમતનો પરપ્રાંતિય શરાબ તથા બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. તેમજ આ દારૂ-બિયરની ડિલીવરી આપવા આવેલા ટેન્કર ચાલક તથા ક્લીનરની ધરપકડ કરી હતી.સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આવનાર દિવાળી-નૂતનવર્ષના તહેવારોને પગલે દારૂના વ્યસનીઓ દ્વારા થતી શરાબ-બિયરની બહોળી માંગને પહોંચી વળવા માટે શહેર-જિલ્લાના બુટલેગરો દ્વારા કમર કસવામાં આવે છે અને પરપ્રાંતમાંથી દારૂનો મોટો જથ્થો મંગાવવામાં આવતો હોય છે. આથી પોલીસ દ્વારા આવા બુટલેગરો પર નજર રાખવામાં આવી રહી છે.

જે અન્વયે ભાવનગર એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, તળાજાના બુટલેગર ઓમદેવસિંહ વાળાએ રાજસ્થાનથી મોટી માત્રામાં દારૂ-બિયરનો જથ્થો મંગાવ્યો છે. આથી ટીમે તળાજા-મહુવા હાઈવે પર એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા એચપી ગેસ કેપ્સુલ કન્ટેનર નં. જી જે 17 યુ યુ 8895ને અટકાવી કન્ટેનરમાં તપાસ કરતાં પરપ્રાંતિય શરાબ તથા બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કન્ટેનર ચાલક કૈલાસ ભગવાનજી ગાયરી તથા ક્લીનર લાલસિંગ કિશનસિંગ દેવરાને આ દારૂ-બિયરના જથ્થા અંગે પૂછતાં તેમણે જણાવેલું કે અમદાવાદમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુએ આ શરાબ-બિયરનો જથ્થો કન્ટેનરમાં લોડ કરાવી તળાજાના ઓમદેવ વાળાને મોકલ્યો છે. આથી પોલીસે પરપ્રાંતીય શરાબ-બિયર, રોકડા રૂપિયા, બે મોબાઈલ તથા ગેસ કન્ટેનર મળીને કુલ રૂ. 28 લાખ નવ્વાણુ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાઈવર-કલીનર, બુટલેગર ઓમદેવ તથા માલ મોકલનાર જીતુ અમદાવાદી વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.