સરકાર સત્વરે ગુજરાત પોલીસની માંગ સ્વીકારે અન્યથા સોશિયલ મિડીયા પર ચાલતું આંદોલન જલદ બનશે : કનુભાઈ કળસરીયા

6

ગુજરાત પોલીસના આંદોલનને મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયાનું જાહેર સમર્થન
પગાર અને કામના કલાકો મુદ્દે રાજ્યભરના પોલીસ કર્મચારીઓએ સોશિયલ મિડીયા પર મોરચો છેડ્યો છે. જેને આમ જનતા સાથે વિપક્ષો સહિતના અગ્રણીઓ-હોદ્દેદારો સમર્થન જાહેર કરી લડતમાં સહભાગી થઈ રહ્યાં છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા કનુભાઈ કળસરીયાએ પોલીસની આ લડતને ખુલ્લું સમર્થન આપ્યું છે અને આ ન્યાયિક માંગને ટેકો આપી તેઓ સરકારને રજૂઆત કરશે તેવી હૈયાધારણા આપી છે. કાલ સુધી માત્ર સોશિયલ મિડીયાનો મુદ્દો રહેલા પોલીસ જવાનોના આંદોલનમાં હવે વિપક્ષોએ પણ ઝંપલાવ્યું છે અને ગુજરાત પોલીસના સમર્થનમાં સૂર પૂરાવ્યો છે. ગઈ કાલે ગુજરાત કોંગ્રેસ દ્વારા પોલીસની ન્યાયિક લડતને ટેકો જાહેર કરાયો હતો, ત્યારે આજે તા. 26 ઓક્ટોબરના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને હાલ આમ આદમી પાર્ટીના નેતા એવા કનુભાઈ કળસરીયાએ ગુજરાત પોલીસની લડતને ટેકો જાહેર કર્યો હતો અને અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને ગ્રેડ-પે સાથે કામના કલાકો નક્કી કરવા અનશન પર ઉતરેલા પોલીસ જવાનની અટકાયત કરવાની બાબતને વખોડી હતી. કનુભાઈએ સાથોસાથ પોલીસ જવાનોના ગ્રેડ-પેમાં સુધારો કરવામાં આવે, તેમને સાતમા પગારપંચનો તત્કાળ લાભ આપવામાં આવે અને તણાવ મુક્ત જવાબદારી સાથે ચોક્કસ કલાકોની ડ્યુટી ફિક્સ કરવામાં આવે જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર સત્વરે આ માંગ સ્વીકારે અન્યથા સોશિયલ મિડીયા પર ચાલતું આંદોલન જલદ બનશે. તેમજ આમાં સામાન્ય પ્રજા પણ શામેલ છે અને રહેશે, આથી સરકાર માંગ સ્વીકારે અને એમાં જ શાણપણ સમજે એવી ગર્ભિત ચિમકી પણ પૂર્વ ધારાસભ્ય કળસરીયાએ ઉચ્ચારી હતી.