એક વર્ષ પહેલાં ભાવનગરની પિરછલ્લા શેરીમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સને આજીવન કેદની સજા

2

ગત વર્ષે દિવાળી પૂર્વે ભર બપોરે આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો
ગત વર્ષે દિવાળી પૂર્વે તા.24 નવેમ્બરનાં રોજ ભર બપોરે ભાવનગરની પિરછલ્લા શેરીમાં એક યુવાન ઉપર છરીઓના ઘા ઝીકી જીવલેણ હુમલો કરનાર શખ્સને આજે ભાવનગરની અદાલતે ગુનેગાર ઠેરવી આઈપીસી 307માં આ જીવન કેદની સજા ફટાકારી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત વર્ષે દિવાળી પૂર્વે તા.24-11-2020 નાં રોજ ભર બપોરનાં સમયે પિરછલ્લા શેરી મેલડી માતાના મંદિરે પાસે મેહુલ ઉર્ફે લાલો નિલેષભાઈ કડીવાળ રાવળ જોગી (ઉ.વ.23) નામનાં યુવાન ઉપર કાળુભા રોડ ઉપર રહેતા હેપી રાકેશભાઈ વોરા (ઉ.વ.19) નામનાં યુવાને ગત દિવાળીના દિવસોમાં થયેલ ઝઘડાનું સમાધાન થયેલ હોવા છતા મારી નાખવાના ઈરાદે છરી વડે પેટ, પીઠ, પગ તથા સાથળ ઉપર જીવલેણ હુમલો કરી નાસી છુટેલા આ બનાવથી તે સમયે નાસભાગ મચી જવા પામી હતી. ગંભીર હાલતે ઈજાગ્રસ્ત યુવાનને લોકોએ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત મેહુલનાં પત્નિ સોનલબેને ગંગાજળીયા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવ અંગેનો કેસ આજે ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો આધાર પૂરાવા તેમજ બનાવ સમયનો લાઈવ વીડીયો કબ્લે લઈ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી આરોપી હેપી રાકેશભાઈને ગુનેગાર ઠેરવ્યો હતો અને આઈપીસી 307 મુજબ આજીવન કેદની ફટકારી હતી. આ ઉપરાંત રોકડ રૂપીયા 3 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આઈપીસી 307માં આજીવન કેદની સજા ફટકરાતા ચકચાર મચી જવા પામી છે.