ભાવ. શહેર કોંગ્રેસ પ્રમુખ પદે પ્રકાશ વાઘાણી રિપીટ

5

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ૧૨ જેટલા પ્રમુખોના નામ જાહેર કર્યાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ૧૨ જેટલા શહેર-જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે પ્રકાશભાઇ વાઘાણીને સતત બીજી ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા છે. પ્રમુખ પદ મેળવવા શહેરના કેટલાક નગરસેવકો અને હોદ્દેદારોએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો અને લોબીંગ કરાયું હતું.
વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં વિપક્ષ એવા કોંગ્રેસ સંગઠનમાં પણ હલચલ શરૂ થઇ છે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ૭૫થી વધુ હોદ્દેદારોને સ્થાન આપ્યું હતું. તેની સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ બદલાયા હતાં ત્યારથી ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદને લઇ વિવિધ અટકળો શરૂ થઇ હતી. જો કે, આ પદ માટે કોંગ્રેસના અમુક વર્તમાન હોદેદારો અને બેથી વધુ વર્તમાન અને પૂર્વ નગરસેવકોએ પણ આ પદ મેળવવા માટે લોબિંગ શરૂ કર્યું હતું. જો કે, પ્રદેશ કોંગ્રેસે જાહેર કરેલા ૧૨ શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાતમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે પ્રકાશ વાઘાણીને રિપિટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, પ્રકાશ વાઘાણી પ્રથમ સાતેક માસ માટે કાર્યકારી શહેર પ્રમુખ રહ્યા બાદ અઢી વર્ષથી શહેર પ્રમુખ પદે આરૂઢ હતા. દરમિયાનમાં તેમની પ્રમુખ તરીકેની ટર્મ પુરી થતા ફરી આ પદ પર તેમની ત્રણ વર્ષના કાર્યકાળ માટે વરણી કરવામાં આવી છે. આ વરણીને કોંગ્રેસ સંગઠને આવકારી છે.