પેગાસસ જાસૂસીમાં સ્વતંત્ર તપાસ પર આજે સુનાવણી

4

અગાઉ ૧૩ સપ્ટેમ્બરે સુનાવણી થઈ હતી : તપાસને લઈને ૧૨ અરજીઓ દાખલ કરવામાં આવી છે, સરકાર તપાસ માટે પેનલની રચના કરવા તૈયાર
નવી દિલ્હી,તા.૨૬
કથિત પેગાસસ જાસૂસી મામલે કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસની માગ કરનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ કાલે એટલે કે બુધવારે પોતાના આદેશ સંભળાવશે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતા વાળા ત્રણ જજની બેન્ચ આ નિર્ણય સંભળાવશે. આ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલી સામેલ છે. પેગાસસ જાસૂસી કાંડની તપાસને લઈને ૧૨ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં વકીલ એમએલ શર્મા, માકપા સાંસદ જૉન બ્રિટાસ, પત્રકાર એન રામ, પૂર્વ આઈઆઈએમ પ્રોફેસર જગદીપ ચોકકર, નરેન્દ્ર મિશ્રા, પરંજોય ગુહા ઠાકુરતા, રૂપેશ કુમાર સિંહ, એસએનએમ આબ્દી, પૂર્વ નાણા મંત્રી યશવંત સિન્હા અને એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાનુ નામ સામેલ છે. અગાઉ પેગાસસ જાસૂસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં ૧૩ સપ્ટેમ્બરે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેઓ આ મામલે સોગંદનામુ દાખલ કરવા જઈ રહ્યા નથી. સરકારે કહ્યુ હતુ કે આ સાર્વજનિક ચર્ચાનો વિષય નથી તેથી સોગંદનામુ દાખલ કરી શકતા નથી પરંતુ તેઓ જાસૂસીના આરોપોની તપાસ માટે પેનલની રચના કરવા માટે રાજી છે. સોગંદનામુ આપવાનો ઈનકાર કરવા પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ પેગાસસ મુદ્દે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યુ હતુ કે તમે વારંવાર તેની પર પાછા જઈ રહ્યા છો. અમે જાણવા ઈચ્છીએ છીએ કે સરકાર અત્યાર સુધી શુ કરી રહી હતી. અમે રાષ્ટ્રીય હિતના મુદ્દા તરફ જઈ રહ્યા નથી. અમારી સીમિત ચિંતા લોકો વિશે છે. સમિતિની નિયુક્તિ કોઈ મુદ્દો નથી. સોગંદનામાનો ઉદ્દેશ્ય છે કે અમને જાણ થાય કે તમે શુ કરી રહ્યા છો. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યુ હતુ કે અમને રક્ષા, સુરક્ષા સાથે જોડાયેલી કોઈ જાણકારી જોઈતી નથી. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ અમારી સામે અરજીકર્તા છે, જે સ્પાયવેરના બિનકાનૂની ઉપયોગ દ્વારા અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે. અમે આ મુદ્દે વિસ્તૃત સોગંદનામાથી માત્ર સરકારનો પક્ષ જાણવા ઈચ્છીએ છીએ. અરજીકર્તાઓએ કેબિનેટ સચિવને સોગંદનામા આપવાના આદેશ આપવાની વિનંતી કરી છે.