માર્ચ સુધીમાં દેશના વધુ ૧૩ એરપોર્ટનું ખાનગીકરણ થશે

94

સરકાર ખાનગીકરણ વ્યાપક બનાવશે : વારાણસી, કુશીનગર, ગયા, અમૃતસર કાંગડા, ભુવનેશ્વર, તિરુપતિ, રાયુપર વગેરેનો સમાવેશ કરાયો
નવી દિલ્હી,તા.૨૬
એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ સરકાર વધુ ૧૩ એરપોર્ટનુ ખાનગીકરણ આગામી માર્ચ મહિના સુધીમાં કરવા માંગે છે. આ એરપોર્ટનુ સંચાલન હાલમાં સરકારની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે નાગરિક ઉડ્ડયન વિભાગને ૧૩ એરપોર્ટનુ લિસ્ટ મોકલવામાં આવ્યુ છે. જેના માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે બોલી લગાવવામાં આવશે. આ કામગીરી માર્ચ મહિના સુધી પૂરી કરવાનુ ટાર્ગેટ છે. અખબારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સંજીવ કુમારને ટાંકીને કહ્યુ છે કે, પર પેસેન્જર રેવેન્યૂ મોડેલ પ્રમાણે બોલી લગાવવામાં આવશે. આ મોડેલ પહેલા પણ સફળ થયેલુ છે. એરપોર્ટ ૫૦ વર્ષ માટે આપવાની ઓફર કરવામાં આવશે. જે એરપોર્ટનુ ખાનગીકરણ કરવાનુ છે તેમાં વારાણસી, કુશીનગર, ગયા, અમૃતસર કાંગડા, ભુવનેશ્વર, તિરુપતિ, રાયુપર, ઔરંગાબાદ, ઈન્દોર, જબલપુર, ત્રિચી, હુબલીનો સમાવેશ થાય છે. સરકારની યોજના આગામી ચાર વર્ષમાં ૨૫ એરપોર્ટનુ ખાનગીકરણ કરવાની છે. જેમાં આ ૧૩ એરપોર્ટ પણ સામેલ છે. આ પહેલા ૨૦૧૯માં ૬ એરપોર્ટને ખાનગીકરણના ભાગરૂપે અદાણી ગ્રુપને આપવામાં આવ્યા છે. ૨૦૦૫-૬માં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ એરપોર્ટને પણ આ રીતે પ્રાઈવેટ કંપનીઓને અપાયા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કમાણીને કોરોનાકાળમાં ઝાટકો લાગ્યો છે. ૨૦૨૧માં તેને ૧૯૬૨ કરોડ રૂપિયાનો લોસ ગયો છે. કર્મચારીઓના પગાર સહિતની જરૂરિયાતો પૂરી કરવા માટે તેને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી ૧૫૦૦ કરોડ રૂપિયા ઉધાર લેવા પડ્યા છે.

Previous articleડ્રગ્સ કેસમાં આર્યન ખાનના જામીન પર આજે સુનાવણી
Next articleરોકણને લઈને બેન્કોને જલદી નિર્ણય કરવા સુપ્રીમનો નિર્દેશ