ભાવનગરમાં લોકલ ક્રાઈમ બ્રાંચે ચાર રીઢા તસ્કરોની ધરપકડ કરી હતી, રૂપિયા 2 લાખથી વધુની કિંમતના ઘરેણાં કબ્જે કર્યા

117

અલગ-અલગ ત્રણ ડિવિઝનોમાં નોંધાયેલો ચોરીનો ભેદ ઉકેલાયો
ભાવનગરમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મોટા ખોખરા ગામના ચાર રીઢા તસ્કરોની રૂપિયા 2 લાખથી વધુની કિંમતના ચોરાવ સોના-ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી હતી. આ સાથે અલગ-અલગ ત્રણ ડિવિઝનોમાં નોંધાયેલો ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગઈકાલે બુધવારે ગ્રામ્ય પંથકમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મામસા નજીક આવેલા સિતારામ વે-બ્રિજ પાસે ચાર વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં ફરે છે અને તેની પાસે રહેલો મુદ્દામાલને વેચવાની પેરવી કરી રહ્યાં છે. જેથી ટીમે ઘટના સ્થળે પહોંચી ચારેય શખ્સોની અટક કરી નામ-સરનામાં સાથે તેના કબ્જામાં રહેલો મુદ્દામાલ સાથે અંગઝડતી હાથ ધરી હતી. આ અટક કરાયેલા શખ્સોએ પોતાના નામ આ મુજબ જણાવ્યાં હતાં. રૂપા રયા પરમાર ઉ.વ.40 રે.મોટાખોખરા, દેપૂ વાસ રમેશ ઉર્ફે તિતલો ઉર્ફે રમલો છના પરમાર ઉ.વ. 20, રે.મોટાખોખરા, ભગવાન ઉર્ફે જગદીશ ઉર્ફે જગો ભોળા મકવાણા રે.આખલોલ જકાતનાકા ઈન્દિરા નગર પાછળ મફતનગર અને સુરેશ રૂપા પરમાર ઉ.વ.20 રે મોટાખોખરા વાળા હોવાનું જણાવ્યું હતું. આ ચારેય શખ્સો ચોરી સહિતના ગુનામાં હવાલાતની હવા ખાઈ આવ્યાંનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ શખ્સોના કબ્જામાં રહેલા સોના ચાંદીના દાગીના અંગે પૂછપરછ કરતા શખ્સો સંતોષકારક જવાબ કે આધારભૂત દસ્તાવેજો રજૂ કરી શકયા ન હતાં. જેથી પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરતા આ શખ્સોએ ઘોઘા, વરતેજ અને સિહોર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ઘરફોડ ચોરીનો કસબ અજમાવ્યો હોય અને આ ચોરી કરેલા મુદ્દામાલને વેચવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રૂપિયા 2,11,500 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleડ્રગ્સ કેસ : આર્યન ખાનને જામીન ન મળ્યા, આજે સુનાવણી કરાશે
Next articleદિવાળી પર્વ અન્વયે ભાવનગરના વિવિધ ડેપોમાંથી મુસાફરો માટે 140 એકસ્ટ્રા એસ.ટી દોડાવાશે