ડ્રગ્સ કેસ : આર્યન ખાનને જામીન ન મળ્યા, આજે સુનાવણી કરાશે

2

શાહરૂખ ખાનના પુત્રનો જેલવાસ ફરીથી લંબાયો : વકીલનોે ધરપકડ સામે સવાલ, જ્યાં કોઈ કાવતરું નથી, પંચનામામાં અલગ-અલગ સેવનનો મામલો છે તો તેમાં ધરપકડ કરવાની જરૂર શું હતી ?
મુંબઈ, તા.૨૭
ડ્રગ્સ કેસમાં બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજીની પર બુધવારે સુનાવણી યોજાઈ હતી. જોકે, સતત બીજા દિવસે સુનાવણીનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો નથી. હવે વધુ સુનાવણી આવતીકાલે ગુરૂવારે કરવામાં આવશે. મંગળવારે પણ સુનાવણી થઈ હતી પરંતુ ત્યારે પણ તેનો ચુકાદો આપવામાં આવ્યો ન હતો.
બુધવારે સુનાવણીમાં અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ દલીલો કરી હતી. તેમણે મર્ચન્ટ તરફથી દલીલ કરી હતી કે, મારી પાસે છ ગ્રામ ચરસ મળ્યું હતું પરંતુ તેઓ ૨૧ ગ્રામ ચરસની વાત કરી રહ્યા છે. જ્યાં સુધી વોટ્‌સએપ ચેટ્‌સની વાત છે તો વોટ્‌સએપ ચેટ્‌સમાં એવું કંઈ નથી જે કાવતરાની થિયરીનું સમર્થન કરે છે.તેમણે કહ્યું હતું કે ૩ ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મેમોમાં ક્યાંય પણ કાવતરાનો ઉલ્લેખ નથી. ફક્ત ડ્રગ્સ સેવનની વાત છે. તેમણે ધરપકડ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જ્યાં કોઈ કાવતરું નથી, પંચનામામાં અલગ-અલગ સેવનનો મામલો છે, જ્યારે કોઈ મામલો જ નથી તો તેમાં ધરપકડ કરવાની જરૂર શું હતી? સુનાવણી શરૂ થતાં જ અમિત દેસાઈએ અરબાઝનો એરેસ્ટ મેમો વાંચવાનું શરૂ કર્યું હતું. દેસાઈએ કહ્યું હતું કે, ૩ ઓક્ટોબરે બપોરે ત્રણ લોકોની (આર્યન, અરબાઝ અને મુનમુન ધમેચા)ની કલમ ૨૭એ અને ૨૯ વગર સમાન ગુના માટે ધરપકડ કરવામાં આવે છે. તેમની ફક્ત ૨૦ (બી) અને ૨૭ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. તેનો મતલબ છે કે ફક્ત ડ્રગ્સનું સેવન કરવા માટે પકડવામાં આવ્યા હતા. કલમ ૨૭ અને ૨૦ (બી) સેવન માટે હતી જે એરેસ્ટ મેમોમાં છે. જો ત્યારના આકલન પર કોઈ કાવતરું ન હતું તો સજા એક વર્ષ માટેની હતી અને મેમોમાં સ્પષ્ટ છે કે ત્યાં કોઈ કાવતરાની વાત જ નથી. દેસાઈએ કહ્યું હતું કે, એક ગુના માટે ચાર બાબતો મહત્વની છે. હેતું સૌથી મોટો ગુનો છે. જો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકોએ પૂરું પાડવાનું હતું તો કાવતરું લાગુ પડે છે. પરંતુ સેવનનો કરવાનો ઈરાદો છે તો તે પણ અમલી બનવો જોઈએ નહીં કેમ કે ધરપકડ કર્યા બાદ કોઈ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. આપણે સવારે સેસન કોર્ટમાં જોયું, બે બાળકો પ્રયોગ કરી રહ્યા હતા અને આ બંને ઓડિશાના હતા અને તેમનો જવાબ એક જેવો જ હતો. પરંતુ આપણે આજે વાંચ્યું કે તેમને જામીન મળી ગયા છે. તેઓ એ છોકરાઓ છે જે વેસલ પર હતા અને બાદમાં વેસલ છોડી દીધું અને તેમણે આનંદ માણ્યો હતો. બાદમાં તેઓ પરત આવી ગયા હતા અને તેમને પકડી લેવામાં આવ્યા હતા. તેમને જામીન મળી ગઈ છે. તે ચુકાદો આ કોર્ટ માટે બાધ્ય નથી અને હું સમાનતા પર નથી અને જો કોઈ સમાનતા નથી તો હું સ્વતંત્રતા પર છું. બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. દરમિયાન આર્યન ખાન તરફથી પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી. જ્યારે એનસીબી તરફથી એએસજી અનિલ સિંહે પક્ષ રજૂ કર્યો.