ગ્રેડ-પે આંદોલનની આગ રાજ્યભરમાં પ્રસરી

84

ગાંધીનગર ,તા.૨૭
ગાંધીનગરમાં સોમવારે રાતે હાર્દિક પંડ્યાની ધરપકડની વાતથી લોકો પોલીસ મથકે ઉમટી પડ્યા હતાં. પોલીસ પરિવારના ૪૦૦થી વધુ એલસીબી પોલીસ મથક પર પહોંચી ગયા હતાં. જેને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પોલીસ સમર્થનમાં આવી ગયા હતાં. બાદમાં કોંગી નેતા પરેશ ધાનાણી અને પુર્વ ધારાસભ્ય કામિની બેન પણ પોલીસ સમર્થનમાં પહોંચી ગયા હતાં અને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.ગુજરાત પોલીસના કર્મચારીઓએ ગ્રેડ પે વધારવાની માગણી સાથે પહેલા સોશિયલ મિડીયા અને હવે ખુલ્લેઆમ ધરણાં સહિતના આંદોલન રાજ્યભરમાં શરૂ થઈ ગયાં છે. પોલીસ કર્મીઓના પરિવારજનો તેના શહેરના સર્વોચ્ચ પોલીસ અધિકારીની ઓફિસો આગળ ધરણાં કરવા પહોંચી ગયા છે. મહિલાઓ થાળી વેલણ વગાડીને અને પ્લેકાર્ડ બતાવીને વિરોધ કરી છે. પોલીસ કર્મીઓ પણ ધીમે ધીમેે ધરણાં કરવા આગળ આવવા લાગ્યા છે. પાટણમાં રાત્રે ૧૦થી વધુ પોલીસકર્મી સિટી પોલીસ સ્ટેશન આગળ ધરણા પર બેસી ગયા છે અને વધુ કર્મીઓને સાથ આપવા અપીલ કરી રહ્યા છે. બીજી બાજુ સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારો સાથે બેઠક કરી આ મુદ્દે સમિતિની રચના કરવાની બાંહેધરી આપી છે. જોકે જ્યાં સુધી કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસના કર્મચારીઓના ગ્રેડ પે અંગેના આંદોલન બાદ સરકાર હરકતમાં આવી છે અને બેઠકોનો દોર શરૂ કર્યો છે. અન્ય રાજ્યોમાં પોલીસ કર્મચારીઓના પગાર ધોરણ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી છે. જોકે, હાલ ગ્રેડ પે વધારવા અંગે સરકાર કોઇ નિર્ણાયક તબક્કે પહોંચી નથી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. બેઠક બાદ એડમિનિસ્ટ્રેશન આઇજી બ્રિજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગની પગાર અને અન્ય સવલતો શું છે તેની માહિતી ગૃહ મંત્રીને આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ગ્રેડ પે નથી કારણ કે ૭મા પગાર પંચ પ્રમાણે પોલીસ કર્મચારીને પગાર ચૂકવાય છે. પોલીસ વિભાગ અનુશાસનને વરેલો વિભાગ છે જેથી પોલીસની રજૂઆતો નિયત ફોરમમાં કરવામાં આવે છે, ફોરમની બહાર જઇને રજૂઆત થાય તો શું પગલાં લઇ શકાય તે અંગેની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી છે. જો પોલીસ કર્મચારીઓ દ્વારા અનુશાસનનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે. બીજીતરફ સરકાર પોલીસ કર્મચારીઓના આંદોલન સામે ઝૂકવાના મૂડમાં નહીં હોવાનું જણાઇ રહ્યું છે. સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. પોલીસ કર્મીઓના પરિવારજનો સાથે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આવી જરીતે સુરતમાં પણ પિપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે ભેગી થઈ હતી અને થાળી-વેલણ ખખડાવી ગ્રેડ-પે ની માગ કરી હતી. પોલીસ પરિવારની મહિલાઓ પૈકી વીણાબેન રાવલ અને ભારતીબેને જણાવ્યું કે, દરેક જિલ્લાના પોલીસ પરિવારોની મહિલાઓને બહાર નીકળવાની અપીલ કરીએ છીએ. માગણીનું નિરાકરણ નહીં આવે તો હવે બાળકો સાથે બહાર નીકળીશું.

Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે
Next articleડ્રગ્સ કેસ : આર્યન ખાનને જામીન ન મળ્યા, આજે સુનાવણી કરાશે