ભાવનગરમાં જર્જરિત મકાનનો સ્લેબ અચાનક તૂટી પડ્યો, મકાન માલિક કાટમાળ તળે દબાયા

7

ફાયરબ્રિગેડના જવાનોએ મકાન માલિકને બહાર કાઢી સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડ્યા
ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં એક જર્જરિત મકાનનું રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મકાનનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. જેથી મકાન માલિક કાટમાળ તળે દબાઈ ગયા હતા. તેઓને બહાર કાઢી સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલા કુવા વાળા ખાચામાં રહેતા કાન્તિલાલ મનસુખભાઇ લંગાળીયા અહીં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાવે છે. આ મકાનનું રિનોવેશન કામ તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન આજે ગુરૂવારે ઢળતી સાંજે આ મકાનનો સ્લેબ એકાએક ધરાશાયી થતાં મકાન ધારક કાન્તીભાઈ ઉ.વ.75 મકાનના કાટમાળ તળે દબાઈ ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ વૃદ્ધને બહાર કાઢી સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગીચ અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં મકાન તૂટી પડતા સ્થાનિકોમા ગભરાટ છવાયો હતો. આ અંગે પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.