૩૭ મિનિટમાં વિજય મેળવી પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં

6

મુંબઈ ,તા.૩૦
ભારતની મિક્સ ડબલ્સ જોડી અશ્વિની પોનપ્પા અને સાત્વિક સાઇરાજની જોડી હારી ગઈ હતી. અંતિમ-૧૬ના મુકાબલામાં ભારતીય જોડીનો ઇન્ડોનેશિયાના પ્રવીણ જોર્ડન અને મેલાતી દેઇવા ઓક્ટોવિંતીની જોડી સામે ૨૧-૧૫, ૧૭-૨૧, ૧૯-૨૧થી પરાજય થયો હતો.ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતી ચૂકેલી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં ડેનમાર્કની ક્રિસ્ટોફરસનને સીધી ગેમમાં હરાવીને ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રીજી ક્રમાંકિત સિંધુએ વર્લ્‌ડ રેન્કિંગમાં ૨૪મો ક્રમાંક ધરાવતી ક્રિસ્ટોફરસનને ૩૭ મિનિટ સુધી રમાયેલી મેચમાં ૨૧-૧૯, ૨૧-૯થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. વર્તમાન વર્લ્‌ડ ચેમ્પિયન સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની આઠમી ક્રમાંકિત બુસાનન ઓંગબામરુંગફાન સામે રમશે. ભારતીય શટલર ગયા સપ્તાહે ડેનમાર્ક ઓપનમાં બુસાનનને હરાવી હતી. મેન્સ ડબલ્સમાં પાંચમો ક્રમાંક ધરાવતી સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ભારતના એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાની જોડીને ૧૫-૨૧, ૨૧-૧૦, ૨૧-૧૯થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમનો આગામી મુકાબલો મલેશિયાની ચોથી ક્રમાંકિત આરોન ચિયા અને સોહ વૂઇ યિકની જોડી સામે થશે. મેન્સ સિંગલ્સમાં સૌરવ વર્માને પરાજયનો સામનો કરવો પડયો હતો. બીજા રાઉન્ડના મુકાબલામાં જાપાનના કેન્ટા નિશિમોતોએ તને ૧૨-૨૧, ૯-૨૧થી હરાવ્યો હતો. યુવા ખેલાડી લક્ષ્ય સેને સિંગાપોરના લોહ કીન યૂ સામે આસાન વિજય હાંસલ કર્યો હતો. તેણેે લોહ કીનને ૪૦ મિનિટમાં ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવ્યો હતો.