સરદાર પટેલ બધા ભારતીયોના દિલમાં વસે છે : મોદી

101

મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર દરેક દેશવાસીને શુભેચ્છાઓ આપી : સરદાર પટેલ હંમેશા ઇચ્છતા હતા કે, ભારત સશકત હોય, સમાવેશી હોય, સંવેદનશીલ હોય, તો સતર્ક, વિનમ્ર અને વિકસિત પણ હોય : વડાપ્રધાન મોદી
કેવડિયા,તા.૩૧
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આયોજિત એકતા પરેડને વિડીયો સંદેશ મારફતે સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સરદાર પટેલ ફક્ત ઇતિહાસમાં નથી રહેતા, પણ બધા ભારતીયોના દિલમાં રહે છે. પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રીય એકતા દિવસ પર દરેક દેશવાસીને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક ક્ષણ જેણે સમર્પિત કરી, એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલને આજે દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. પીએમએ કહ્યું, સરદાર પટેલ હંમેશા ઇચ્છતા હતા કે, ભારત સશકત હોય, સમાવેશી હોય, સંવેદનશીલ હોય. તો સતર્ક, વિનમ્ર અને વિકસિત પણ હોય. તેમણે હંમેશા દેશહિતને સર્વોપરી રાખ્યો. આજે તેમની પ્રેરણાથી ભારત, બાહ્ય અને આંતરિક, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ બની રહ્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું, આઝાદ ભારતના નિર્માણમાં દરેકનો પ્રયત્ન જેટલો ત્યારે પ્રાસંગિક હતો, એનાથી પણ વધારે આઝાદીના આ અમૃતકાળમાં થવાનો છે. આઝાદીનો આ અમૃતકાળ, વિકાસની અભૂતપૂર્વ ગતિનો છે, કપરા લક્ષ્યોને હાંસલ કરવાનો છે. આ અમૃતકાળ સરદાર સાહેબના સપનાના ભારતના નવનિર્માણનો છે. મોદીએ કહ્યું, આઝાદીનો આ અમૃત કાળ વિકાસની ગતિનો અને લક્ષ્યોને હાંસલ કરવાનો છે. આ કાળ સરદાર સાહેબના ભારતના નવનિર્માણનો છે. સરદાર સાહેબ આપણા દેશને એક શરીર રૂપે, એક જીવંત એકમ તરીકે જોતાં હતા. તેમના માટે એક ભારતનો અર્થ એ પણ હતો કે દરેક વ્યક્તિ માટે એક સમાન અવસર હોય, એક સમાન સપનાં જોવાનો અધિકાર હોય. તેમણે કહ્યું, આજથી કેટલાય દાયકાઓ પહેલા એ સમયે પણ તેમના આંદોલનની તાકાત એ હતી કે તેમાં મહિલા-પુરુષ, દરેક વર્ગ, દરેક સંપ્રદાયની ઊર્જા હતી. એટલે આજે જ્યારે આપણે એક ભારતની વાત કરીએ છીએ તો એ એક એવું ભારત હોવું જોઈએ જેમાં મહિલાઓ પાસે એકથી અનેક તકો હોય, એક એવું ભારત જ્યાં દલિત, વંચિત, આદિવાસી, વનવાસી દેશનો દરેક નાગરિક પોતાને એકસમાન માને. એક એવું ભારત જ્યાં વીજળી, પાણી જેવી સુવિધાઓમાં કોઈ ભેદભાવ ન હોય અને આજે દેશમાં આમ જ થઈ રહ્યું છે. દેશ આ જ દિશામાં નવા લક્ષ્ય સિદ્ધ કરી રહ્યો છે અને એ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે દેશના દરેક સંકલ્પમાં સૌનો સાથ મળ્યો છે. કેવડિયામાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ મોદી સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીની રાજધાની રોમમાં છે એટલે ગૃહ મંત્રી અમિત શાહ એકતા પરેડમાં સામેલ થયા છે. એકતા પરેડમાં દેશના બધા રાજ્યોના પોલીસકર્મીઓ દ્વારા પરેડ થઈ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૮૩૦ નવા કેસો નોંધાયા