ભારતીય ખેલાડીઓની બોડી લેગ્વેન્જ સારી નહોતી : સહેવાગ

4

દુબઈ,તા.૧
આઈસીસી ટી-૨૦ વર્લ્‌ડ કપમાં ભારતીય ટીમે રવિવારે યોજાયેલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ૮ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમે ૨૦ ઓવરમાં માત્ર ૧૧૦ રન બનાવીને ધબડકો વાળ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડે ૨ વિકેટના નુકસાન પર ૧૪.૩ ઓવરમાં ૧૧૧ રન બનાવીને જીત હાંસલ કરી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ટી-૨૦ વર્લ્‌ડ કપમાં ભારત પર જીતનો રેકોર્ડ પણ યથાવત્‌ રાખ્યો હતો. આ પહેલા ભારતને પાકિસ્તાન સામે હાર મળી હતી. હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે નિરાશા વ્યક્ત કરી છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યું છે ભારતથી નિરાશ છું. ન્યૂઝીલેન્ડનું પર્ફોર્મન્સ અદ્દભુત રહ્યું. ભારતની બોડી લેન્ગ્વેજ વધારે સારી નહોતી. ખરાબ શોટ સિલેક્શન અને ભૂતકાળમાં કરેલા કારનામાની જેમ એકવાર ફરી ન્યૂઝીલેન્ડે તે લગભગ નક્કી લીધું છે કે અમે આગામી સ્ટેજમાં આમ નહીં થવા દઈએ. આ ભારતને નુકસાન પહોંચાડશે અને હાલ ગંભીર આત્મનિરીક્ષણનો સમય છે. બીજી તરફ હરભજન સિંહે ટ્‌વીટ કરીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટેની અપીલ કરી છે. તેમણે ટિ્‌વટર પર લખ્યું છે ’આપણા ખેલાડીઓ પ્રત્યે કઠોર ન બનો. હા, આપણે સારી રીતે ક્રિકેટ રમવા માટે જાણીતા છીએ. આવા પરિણામ બાદ સૌથી વધારે ખેલાડીઓને પીડા થાય છે. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ સારું રમી. તેમણે તમામ વિભાગમાં સારું પ્રદર્શન કર્યું. બીજી તરફ ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટથી હાર બાદ ટી૨૦ વર્લ્‌ડ કપ સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાની કગાર પર ઉભેલી ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે ’આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા. જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં. તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો’.