મૃતક સોમવારે સાંજના સુમારે ઘરેથી કોઈને જાણ કર્યા વિના ક્યાંક જતાં રહ્યાં હતાં
ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતી એક પરિણીતાએ કોઈ અકળ કારણોસર ગૌતમેશ્વર કુંડમાં ઝંપલાવી પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોરમાં માધવનગર-2માં રહેતા જગદીશભાઈના પત્ની આરતીબેન ઉ.વ.41, ગઈકાલે સોમવારે સાંજના સુમારે ઘરેથી કોઈને જાણ કર્યા વિના ક્યાંક જતાં રહ્યાં હતાં. જે અંગે પરીવારે મોડી રાત સુધી તેમની તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ-પત્તો ન મળતા પરીવારે પોલીસને જાણ કરી હતી. દરમિયાન આજે મંગળવારના રોજ વહેલી સવારે ગૌતમેશ્વર કુંડમાં એક અજાણી મહિલાની લાશ તરતી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એની સાથે મામલતદાર તથા ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક મહિલા આરતીબેન જગદીશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં લાશને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલી છે. આત્મહત્યા અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે, જેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ ખુલવા પામશે, આથી પોલીસે પરીવારના સભ્યોને સ્થળ પર બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
















