અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 89મી વાર અનાજ કીટનું વિતરણ કરાયું

6

21 પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત માસિક અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ મંગળવારનાં રોજ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ લાભુભાઈ ટી. સોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે મંડળનો આ અનાજકીટ વિતરણનો 89મો માસિક કાર્યક્રમ છે. દરમહિને વિવિધ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુઓને અવિરત રીતે અનાજકીટ અપાય છે તેની ખુશી વ્યક્ત કરતા તેમણે આ વખતના દાતા કાશ્મીરાબેન પંકજભાઈ દેસાઈ (લંડન) તેમજ મીઠાઈનાં દાતા કમલેશભાઈ શેઠનો ખાસ આભાર માન્યો હતો. આ પ્રંસગે કિર્તીભાઈ શાહ, મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ, મહેશભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.