કાબુલની લશ્કરી હોસ્પિટલ બહાર વિસ્ફોટમાં ૧૯નાં મોત

93

આત્મઘાતી હુમલાખોરના હુમલામાં ૫૦ લોકો ઘાયલ થયા, કોઈ આતંકી સંગઠને હુલાની જવાબદારી ન સ્વિકારી
કાબુલ, તા.૨
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મિલિટરી હોસ્પિટલની બહાર સીરિયલ બ્લાસ્ટ થયો હતો. આ પછી ફાયરિંગનો અવાજ સંભળાયો. જેમાં ૧૯ લોકોનાં મોત અને ૫૦ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કાબુલની સૈન્ય હોસ્પિટલ નજીક વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સંભળાયો. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી, જોકે આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાનનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જે બાદ અફરાતફરી મચી ગઈ હતી. બખ્તર સમાચાર એજન્સી દ્વારા સ્પુટનિકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાનીમાં એક હોસ્પિટલ પર ઈસ્લામિક સ્ટેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઈએસના એક આતંકીએ હોસ્પિટલના પ્રવેશદ્વાર પર પોતાની જાતને ઉડાવી દીધી હતી. કેટલાક વધુ હુમલાખોરો બિલ્ડીંગમાં ઘૂસ્યા હતા. ૨૬ ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ૧૬૯ અફઘાન અને ૧૩ અમેરિકન સૈનિકો સહિત કુલ ૧૮૨ લોકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટ આતંકી સંગઠન આઈએસ ખોરાસાને કરાવ્યો હતો. ૧૨ મરીન કમાન્ડો અને એક ચિકિત્સક સહિત ૧૩ અમેરિકી સુરક્ષા કર્મચારીઓ પણ સતત ત્રણ બોમ્બ વિસ્ફોટો અને કેટલાક બંદૂકધારીઓએ ભીડ પર ગોળીબારમાં માર્યા ગયા હતા. હુમલામાં મહિલાઓ, સુરક્ષા કર્મચારીઓ અને તાલિબાન ગાર્ડ્‌સ સહિત ૧૪૦ લોકો ઘાયલ થયા હતા. ઓગસ્ટમાં તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો ત્યારથી અફઘાનિસ્તાનમાં અવારનવાર બોમ્બ ધડાકા કરવામાં આવે છે. આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં ૨૫૦ લોકોનાં મોત થયા છે અને લગભગ ૪૦૦ લોકો ઘાયલ થયા છે.

Previous articleનાસાએ અંતરિક્ષમાં પહેલી વખત મરચાંની ખેતી કરી
Next articleભાવનગરના ટિકિટ ચેકિંગ સ્ટાફે માત્ર એક જ ટ્રેનમાંથી ટિકિટ વગર મુસાફરી કરતા 267 મુસાફરોને ઝડપ્યાં