વિરાટ કોહલી-અનુષ્કા અને પુત્રી સાથે મુંબઈ પરત ફર્યો

6

એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી શનિવારે બપોરે યુએઈથી મુંબઈ પરત ફર્યા છે. મુંબઈના કાલિના એરપોર્ટ પર વિરાટ અને અનુષ્કા દીકરી વામિકા સાથે જોવા મળ્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દીકરી વામિકાનો ચહેરો દુનિયાને ન બતાવાનો નિર્ણય કર્યો છે ત્યારે એરપોર્ટ પર એક્ટ્રેસે ફ્રંટ-સ્ટ્રેપ્ડ બેબી કેરિયરમાં વામિકાને બેસાડી હતી અને તેના ખુલ્લા ભાગને હાથથી ઢાંક્યો હતો. મીડિયાના કેમેરામાં વામિકાનો ચહેરો ના આવે તેનું એક્ટ્રેસે પૂરતું ધ્યાન રાખ્યું હતું. દુબઈથી મુંબઈ આવી પહોંચેલા વિરાટ-અનુષ્કા કેઝ્‌યુઅલ લૂકમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનુષ્કા શર્માએ વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ ટ્રાઉઝર પહેર્યું હતું. જ્યારે વિરાટ વ્હાઈટ ટી-શર્ટ અને શોર્ટ્‌સમાં જોવા મળ્યો હતો. એરપોર્ટના દરવાજાની બહાર જ વિરાટ-અનુષ્કાની ગાડી ઊભી હતી. ત્યારે વિરાટ કારમાં સામાન મૂકાવીને બેઠો હતો જ્યારે અનુષ્કા બહાર નીકળીને તરત જ વામિકાને લઈને કારમાં બેસી ગઈ હતી. મુંબઈ આવવાના થોડા કલાકો પહેલા જ અનુષ્કા શર્માએ વિરાટ સાથેની કોફી ડેટની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી હતી. કોફી પર વિરાટ-અનુષ્કાની તસવીર હતી, જે શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “અમે સ્વાદિષ્ટ છીએ.” વિરાટ કોહલી ટી૨૦ વર્લ્‌ડ કપ માટે ટીમ ઈન્ડિયા સાથે દુબઈમાં હતો. જોકે, ટીમ ઈન્ડિયા વર્લ્‌ડ કપમાંથી બહાર ફેંકાઈ જતાં વિરાટ પત્ની અને દીકરી સાથે મુંબઈ આવી ગયો છે. હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે પરંતુ તેમાં વિરાટને આરામ અપાયો હોવાથી તે મુંબઈ પરત ફર્યો છે. જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કાએ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા અને તેમની દીકરી વામિકા જાન્યુઆરી ૨૦૨૧માં જન્મી છે. દીકરીના જન્મ વખતે વિરુષ્કાએ મીડિયાના ફોટોગ્રાફર્સને વામિકાની તસવીર ક્લિક ના કરવા વિનંતી કરી હતી. દીકરીની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે તેમણે ફોટોગ્રાફર્સને સહકાર આપવાનું કહ્યું હતું. સાથે જ કપલે ખાતરી આપી હતી કે તેઓ પોતાની તસવીર ખેંચાવામાં આનાકાની નહીં કરે. વર્કફ્રંટની વાત કરીએ તો અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ’ઝીરો’માં જોવા મળી હતી. ૨૦૧૮માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનુષ્કાની સાથે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ હતા. આ ફિલ્મ બાદ અનુષ્કાએ બ્રેક લીધો છે અને હજી સુધી નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. જોકે, એક્ટ્રેસ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ રસપ્રદ કન્ટેન્ટ દર્શકોને પીરસી રહી છે.