દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૧૯ નવા કેસ નોંધાયા

90

છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૦ લોકોના મોત થયા : કોરોનાના કેસ ઘટી રહ્યા છે, દેશમાં નોંધાતા કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે
નવી દિલ્હી,તા.૧૮
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૪૧માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૪૪માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૯૧૯ નવા કેસ નોંધાયા છે અને ૪૭૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૧,૨૪૨ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૨૮,૭૬૨ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૬૮૪૯ કેસ નોંધાયા છે અને ૬૧ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ૬૦૪૬ લોકો સાજા થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો ૧૧૩ કરોડને પાર પહોંચ્યો છે. બુધવારે ૧૦,૧૯૭ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના ફરી ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવાં ૫૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ નોંધાયા છે. આજે નવાં ૫૪ દર્દીઓ સામે માત્ર ૧૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યમાં સતત વધારો યથાવત્‌ છે. નવા નોંધાયેલા કેસ પૈકી દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.દક્ષિણ -પશ્ચિમમાં આવેલા જોધપુર વોર્ડમાં કોરોનાના છ કેસ નોંધાયા છે.જયારે નવરંગપુરા, પાલડી તેમજ નારણપુરા વોર્ડમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે.આ સિવાયના કેસ શહેરના અન્ય વિસ્તારમાં નોંધાયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. બુધવારે નવા બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.જે પૈકી પોલીટેકનીક પાસે આવેલા કરમણ્ય ફલેટના આઠ ફલેટમાં રહેતા ૧૮ લોકોને તેમજ નવરંગપુરા વોર્ડના શ્રેયસ ટેકરા ખાતે આવેલા તુલીપ સીતાડેલના જી બ્લોકના ચોથા,પાંચમા અને છઠ્ઠા માળના છ મકાનમાં રહેતા વીસ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા અમદાવાદ શહેરમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળની સંખ્યા ચાર ઉપર પહોંચી છે.

Previous articleક્રિપ્ટોકરન્સી દેશના યુવાનોને બરબાદ કરી નાંખશે : મોદી
Next articleબોમ્બે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આખરે ફગાવ્યો