દવાના મુખ્ય ઘટકોના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાનું આહવાન

4

મોદીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરની ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કર્યું : હાલના સમયમાં ભારતીય હેલ્થકેર સેક્ટરે દુનિયાનો વિશ્વાસ જીતતાં આજે ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે : પીએમ મોદી
નવી દિલ્હી,તા.૧૮
પીએમ નરેન્દ્ર મોદીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રથમ ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમિટને સંબોધતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહામારીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરને કેન્દ્રમાં લાવી દીધું છે. છેલ્લા બે વર્ષમાં હેલ્થકેરના તમામ પાસાઓ ભલે તે લાઈફસ્ટાઈલ હોય, કે મેડિસિન, અથવા મેડિકલ ટેક્નોલોજી, કે વેક્સિને દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતીય ફાર્માસ્યુટિક ઈન્ડસ્ટ્રી પણ આ પડકાર સામે ઉભી થઈ છે. હાલના સમયમાં ભારતીય હેલ્થકેર સેક્ટરે દુનિયાનો વિશ્વાસ જીતતાં આજે ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ પીએમ મોદીએ જણાવ્યું કે, આપણી સારા સ્વાસ્થ્યની પરિભાષા શારીરિક સીમાઓ સુધી જ પુરતી નથી. આપણે સમગ્ર માનવજાતની સુખાકારી પર વિશ્વાસ કરીએ છીએ. અને કોવિડ-૧૯ મહામારીના સમય દરમિયાન આપણે આ ભાવના સમગ્ર દુનિયાને દેખાડી છે. મહામારીના પ્રારંભિક તબક્કામાં આપણે ૧૫૦ જેટલાં દેશોમાં જીવનરક્ષક દવાઓ અને મેડિકલ સાધનો એક્સપોર્ટ કર્યાં છે. અને આ વર્ષે ૬૫ મિલિયન કરતાં પણ વધારે કોરોના વેક્સિન ડોઝ ૧૦૦ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ ઇનોવેશન માટે ઇકોસિસ્ટમ બનાવવાની કલ્પના કરી હતી, કે જે ભારતને દવાની શોધ અને નવીન તબીબી ઉપકરણોમાં અગ્રેસર બનાવશે. તેમણે કહ્યું કે તમામ હિતધારકો સાથે વ્યાપક પરામર્શના આધારે નીતિગત હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પાસે ક્ષમતા ધરાવતાં મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજી ઉપલબ્ધ છે, કે જે ઈન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે. આ તાકાતનો ઉપયોગ ’ડિસ્કવર એન્ડ મેક ઇન ઇન્ડિયા’ માટે કરવાની જરૂર છે તેમ પણ પીએમ મોદીએ કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ આહવાન કર્યું કે, જ્યારે ભારતના ૧૩૦ કરોડો લોકોએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે આપણે વેક્સિન અને દવાના મુખ્ય ઘટકોનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવા ઉપર વધારે ભાર મુકવો જોઈએ. આ એક સરહદ છે જે ભારતે જીતવાની છે તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ હિતધારકોને આઈડિયાટ ઈન ઈન્ડિયા, ઈનોવેટ ઈન ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર ધ વર્લ્‌ડ માટે આમંત્રિત કર્યા હતા. તમારી સાચી શક્તિ શોધો અને વિશ્વની સેવા કરો તેવો પીએમ મોદીએ નિષ્કર્ષ આપ્યો હતો.