મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આશરે રૂ.1 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફૂટબોલ ગ્રાઉન્ડનું શિક્ષણમંત્રીના હસ્તે લોકાર્પણ

7

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને શિક્ષણ વિભાગ, ગાંધીનગરની ગ્રાન્ટમાંથી યુનિવર્સિટી ખાતે. આશરે રૂ.1 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રીએ યુનિવર્સિટી કાળ દરમિયાન જ સપનાના વાવેતર થતાં હોય છે. વર્ષો પછી તે આપોઆપ વટવૃક્ષ બની જતાં હોય છે.તેથી સકારાત્મકતા સાથે સ્વપ્ન જોવાં વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. સમય સાથે નવું – નવું કરવું જોઈએ. તે સમયની માંગ છે અને મને આનંદની વાતનો છે કે, રાજ્યમાં અદ્યતન સુવિધાઓ સાથેનું પ્રથમ ગ્રાઉન્ડ ભાવનગર ખાતે બની ગયું છે. તે પણ ચેન્જીંગ રૂમ સાથેનું અને 300 ની ક્ષમતા સાથેનું છે.જ્યાં ભણ્યાં હોય ત્યાં જ આવવાનો આનંદ અનેરો હોય છે.આ યુનિવર્સિટી સાથે પોતાના અનેક સંસ્મરણો જોડાયેલાં છે. બે થી અઢી હજાર વિદ્યાર્થીઓની અહીં પ્રેક્ટિસ કરી શકે તે પ્રકારનું મેદાન અહીં બનાવવામાં આવ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એ જમાનામાં જમીન આપીને સ્પોર્ટ્સની અનોખી સેવા કરી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પોર્ટ્સને દેશમાં એક નવી ઓળખ આપી છે. ગામડાની વિસરાતી જતી રમતોને પણ ફરીથી પુનર્જીવિત કરી છે.દેશમાં રમતનું વાતાવરણ બનાવવું પડતું હોય છે. ત્યારે જ રમત -ગમતની ગતિ વેગવાન બનતી હોય છે. વડાપ્રધાનશ્રીએ રમત-ગમતને દેશમાં એક નવી દિશા આપી છે. તેમણે યુવાનોને શીખ આપતાં જણાવ્યું કે, તમે બીજા કરતાં અલગ છો, વિશેષ છો તેવી સંકલ્પશક્તિ કેળવો અને આત્મવિશ્વાસના રણકા સાથે આગળ વધો તેવી પ્રેરણા પૂરી પાડી હતી.શિક્ષણ મંત્રી પેવેલિયનની મુલાકાત લઇ તેની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે ગ્રાઉન્ડમાં જઈને ફૂટબોલને કીટ મારીને પોતાની સ્પોર્ટસમેન સ્કીલનો પરિચય કરાવ્યો હતો. આ તકે મેયર કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું કે, શિક્ષણની અન્ય શાખાઓની જેમ સ્પોર્ટ્સને પણ આજે હવે મહત્વ મળવા લાગ્યું છે. સ્પોર્ટ્સમાં નામના મેળવનાર વિદ્યાર્થીઓને પણ સમાજમાં અદકેરૂ સન્માન મળવા લાગ્યું છે.તેમણે મોબાઈલમાં રમમાણ રહેતાં વિદ્યાર્થીઓને રમતના મેદાનમાં ઉતરી સ્પોર્ટ્સના ચેમ્પિયન બનવા શીખ આપી હતી.આ તકે કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ફક્ત ભાવનગર યુનિવર્સિટી પાસે જ સંપૂર્ણ સુવિધાઓ સાથેનું ફૂટબોલ ગ્રાઉન્ડ છે. યુનિવર્સિટીએ છેલ્લાં વર્ષોમાં સ્પોર્ટ્સના વિકાસ માટે રૂ.30 કરોડનો ખર્ચ કર્યો છે.તેમણે યુનિવર્સિટીમાં વિકસાવવામાં આવેલ અને આગામી પ્રોજેક્ટના વિકાસની તલસ્પર્શી રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર કૌશિકભાઈ ભટ્ટ, યુનિવર્સિટીના અઘ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.