ભાવનગરમાં સ્ટેશનરી એસોસિએશનનું પ્રથમ સ્નેહમિલન યોજાયું, વેપારી એસોસીએશન ટીમની રચના કરાઈ

5

ભાવનગરમાં સ્ટેશનરી એસોસિએશનનું પ્રથમ સ્નેહમિલન યોજાયું હતું. કોરોના બાદ જ્યારે શાળાઓ શરૂ થવાના આસાર છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી પેન, પેન્સિલ, રબર, ગણવેશ સહિતની સ્ટેશનરી ખૂબ જ અગત્યની હોય છે. આ સિવાય શાળાઓ ચાલતી હોય ત્યારે પણ આ બધી ચીજ-વસ્તુઓ વિદ્યાર્થીઓને માટે ખૂબ મહત્વની હોય છે. સ્ટેશનરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ હિરેન બારૈયાના અધ્યક્ષ પદે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્ટેશનરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ, શહેર તથા જિલ્લાના વેપારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કોળી સેના પ્રમુખ અને અખંડ હિન્દી સેના, ગુજરાતના ઉપપ્રમુખ કાળુ જાંબુચાએ રાજ્યભરમાંથી ભાવનગર ખાતે પધારેલા સ્ટેશનરી ઉદ્યોગના વિક્રેતાઓ, વેપારીઓ, નિર્માતાઓનુ ભાવેણાની ધરતી પર હાર્દિક સ્વાગત કર્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેશનરીના વેપારી એસોસીએશન ટીમની રચના પણ કરવામાં આવી હતી. આ એસોસિએશન સ્ટેશનરી ઉદ્યોગના હિતોના રક્ષણ માટે કાર્ય કરશે. કાળુ જાંબુચાએ નવા વરાયેલા સ્ટેશનરી એસોસિએશનના સભ્યોને શુભેચ્છા પણ પાઠવી હતી. આજે સૌ સભ્યો જે રીતે સહકારની ભાવનાથી એકત્ર થયાં છે તે રીતે આગામી સમયમાં પણ સાથે રહેશે અને ગુજરાતના વિદ્યાર્થી જગતના હિતમાં કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ રહેશે તેવી ખેવના પણ તેઓએ વ્યક્ત કરી હતી.