માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું

5

ભાવનગર માર્કેટ યાર્ડમાં એક દિવસ મગફળી લાવવાની છુટ અપાતાં ખેડૂતો ઉમટી પડ્યા, યાર્ડમાં 25 હજાર જેટલી મગફળીની ગુણો છલકાઈ
ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે દિવાળી બાદ લાભ પાંચમથી કામકાજ શરૂ થતા જ ખેડૂતો દ્વારા યાર્ડમાં મગફળીનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. પરિણામે બીજી સુચના ન અપાય ત્યાં સુધી મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 10 દિવસ બાદ એક દિવસ માટે મગફળી લાવવાની છુટ અપાતાં ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં અંદાજે 25 હજાર જેટલી મગફળીની ગુણો ખેડૂતોએ ઠાલવી દીધી હતી. જેને પગલે ફરી યાર્ડ મગફળીથી છલકાઇ જવા પામ્યું હતું. ત્યારબાદ બીજી સુચના ન અપાય ત્યાં સુધી નવી મગફળી લાવવા મનાઇ કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને વાવાઝોડા બાદ પણ ખેડૂતો દ્વારા મગફળીનું ઉત્પાદન લેવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા પણ ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કર્યાં બાદ મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાભપાંચમથી યાર્ડ શરૂ થતાં મગફળીનો ભરાવો થઇ જતા ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળી લાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભાવનગર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ નરેન્દ્રસિેંહે જણાવ્યું હતું કે યાર્ડમાં મગફળીનો ભરાવો અને વરસાદી માહોલ તેમજ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહીના કારણે ખેડૂતોના પાકને નુકશાન ન થાય તે માટે નવી મગફળીની આવક માટે મનાઇ કરવામાં આવી હતી. બે દિવસ પૂર્વે ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે રાત્રિના 8થી શનિવારે સવાર સુધી ખેડૂતો મગફળી લાવી શકશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે એક રાતમાં મગફળીનું વેચાણ કરવા માટે ખેડૂતોએ ભાવનગર માર્કેટ યાર્ડમાં 25 હજાર જેટલી મગફળીની ગુણો ઠાલવી દીધી હતી. જેના ખેડૂતોને ઓછામાં ઓછા રૂા. 1001 અને વધારેમાં વધારે 1440 જેટલા ભાવ મળ્યા હતા.