રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૫૦થી વધુ સિક્સર ફટકારી

4

મુંબઈ, તા.૨૦
ટી૨૦ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા જાણે નસીબના ઘોડા પર સવાર છે. ન્યૂઝીલેન્ડ સામેની અત્યાર સુધીની બંને મેચમાં તેણે ટોસ જીત્યો છે અને મેચ પણ. રાંચીમાં જીત મેળવીને પ્રથમ ટી૨૦ શ્રેણી પણ કબજે કરી લીધી છે. વ્યક્તિગત સ્તરે પણ રોહિત શર્મા દરેક મેચમાં નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજો સૌથી વધુ સિક્સર (૪૫૦ ) બની ગયો છે, તે પણ સૌથી ઓછી મેચોમાં. રોહિતે કિવી ટીમ સામે બીજી ટી૨૦માં પાંચ સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૪૫૦ સિક્સર પૂરી કરી. તે સૌથી ઓછી મેચ (૪૦૪)માં આ સ્થાને પહોંચનાર બેટ્‌સમેન છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે (૫૫૩) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેના પછી પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો નંબર આવે છે, જેણે પોતાની આખી કારકિર્દીમાં ૪૭૬ છગ્ગા ફટકાર્યા હતા. રાંચી ટી૨૦ બાદ રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૫૪ સિક્સર ફટકારી છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી૨૦ મેચમાં જીત પાછળ કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૮૦ બોલમાં ૧૧૭ રનની ભાગીદારી થઈ હતી. રાહુલે ૪૯ બોલમાં ૬૫ રન જ્યારે શર્માએ ૩૬ બોલમાં ૫૫ રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ એક ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. રોહિત શર્મા હવે ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ ૫૦થી વધુ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. આ તેનો ૨૯મો ૫૦ સ્કોર હતો. હવે તે વિરાટ કોહલીની બરાબરી પર પહોંચી ગયો છે. આ ઉપરાંત રોહિતે ટી૨૦માં ચાર સદી પણ ફટકારી છે. કેએલ રાહુલે રાંચીમાં ટી૨૦ કારકિર્દીની ૧૬મી અડધી સદી ફટકારી હતી. સતત ટોસ હારવાથી પરેશાન વિરાટ કોહલીથી વિપરીત રોહિત શર્માએ તેની કપ્તાની હેઠળ શરૂઆતની બંને મેચોમાં ટોસ જીત્યો હતો. આ વખતે પણ રોહિતે ઝાકળની અસર જોઈને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કિવી ટીમે ૨૦ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૧૫૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ રનનો પીછો કરવા ઉતરી હતી અને ૧૭.૨ ઓવરમાં ૧૫૫ રન બનાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.