સ્માર્ટ ફોન પણ ન ધરાવનાર ભાવનગરનો યુવાન PIની સીધી ભરતીમાં સમગ્ર રાજ્યમાં આઠમાં નંબરે ઉત્તીર્ણ થયો

224

કોઈપણ પ્રકારના ટ્યુશન વગર સ્વબળે 4 લાખ પરીક્ષાર્થીઓ વચ્ચે આઠમા ક્રમાંકે પરીક્ષા પાસ કરી
ભાવનગરના અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા 27 વર્ષની ઉંમરના યુવક સતીષ કિશોરભાઈ કાંબડે બે દિવસ પહેલાં જાહેર થયેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 8મો ક્રમાંક મેળવીને ઉત્તીર્ણ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટફોનના જમાનમાં આ યુવક પાસે સ્માર્ટફોન પણ નથી.

આજની યુવાપેઢી સ્માર્ટફોન વગર એક દિવસ પણ પસાર કરી નથી શકતી તેવાં સમયે સતિષભાઈ પાસે આજે પણ સ્માર્ટ ફોન નથી, તેઓ સાદો ફોન વાપરે છે. સમગ્ર રાજ્યમાં 40 બેઠકો માટે યોજાયેલી આ પરીક્ષામાં 4 લાખથી વધુ ફોર્મ ભરાયાં હતાં. જેમાં પ્રાથમિક પરીક્ષામાં 1,700 વિદ્યાર્થીઓ રંગમાં 358 વિદ્યાર્થીઓ અને ઇન્ટરવ્યૂમાં 320 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યાં હતાં. તેમાંથી તેઓએ 8 મો ક્રમાંક મેળવીને ભાવનગર શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભાવનગરની જી.ઈ.સી. કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર થયેલાં આ યુવાન પાસે આજની તારીખે પણ સ્માર્ટ ફોન નથી. એક સમયે અભ્યાસ કરવાં માટે પણ પૂરતાં નાણાં ન હતાં. આવાં સમયે સતિષભાઈના પિતા કિશોરભાઈના મિત્ર અને ભાવનગરના જાણીતા સેવાભાવી કાળુભાઈ જાંબુચાએ તેમને અભ્યાસ માટે તેમજ અભ્યાસ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પૂરતી આર્થિક મદદ કરી હતી.આ ઉપરાંત આગળ વધવા માટેનો પૂરતો સહકાર, હુંફ અને પ્રેરણા પૂરી પાડી હતી. કાળુભાઈ જાંબુચા જાણીતા ક્રિકેટર ચેતન સાકરીયાના મામા છે. ચેતન સાકરીયાને આગળ વધવા માટે તેમણે જ મદદ કરી હતી. કોરોનામાં પણ તેઓએ સક્રિય રીતે સમાજ સેવા કરી છે.પોતાના જન્મદિવસે તેમણે સમાજની જરૂરિયાતમંદ 1000 વિધવા બહેનોને સાડી પણ આ વર્ષે જ આપી હતી. આ સિવાય પણ સમાજના અનેક નબળા વર્ગના વિદ્યાર્થીઓ અને અભ્યાસ માટે તેઓ મદદ કરી રહ્યાં છે. સતિષભાઈ પણ તેમના આ ઉપકારને સ્વીકારતા જણાવે છે કે, એક સમયે હું પણ નાસીપાસ થઇ ગયો હતો. પરંતુ મારા પપ્પાના પરમમિત્ર એવાં કાળુભાઈ જાંબુચાએ મને હંમેશા તેમાં ટકી રહેવા માટેનો આત્મવિશ્વાસ અને હુંફ આપી હતી. જેના કારણે ફરીથી આ પરીક્ષાની તૈયારી માટે લાગ્યો. આ માટે હું છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરતો હતો અને આજે મને સફળતા મળી છે. સતિષભાઈ અઠવાડિયા પહેલાં જ ગુજરાત સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પણ પસંદગી પામ્યાં છે. રાજ્ય સરકારમાં પારદર્શિતાથી ભરતી થાય છે તેનું આ સચોટ અને ઉત્તમ ઉદાહરણ છે કે, એક સામાન્ય પરિવારમાંથી આવતા અને પ્રતિબદ્ધતાથી મહેનત કરનારાને તેની મહેનતનું સાચું ફળ મળે જ છે. તેઓ જણાવે છે કે, ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક અને વિવિધ પ્રકાશનોએ તેમને ગુજરાતી ભાષા તેમજ વર્તમાન પ્રવાહો વિશેની જાણકારીથી માહિતગાર થવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયાં હતાં. ભાવનગર માહિતી ખાતાનો પણ આ માટે ખૂબ સહકાર મળ્યો હતો. સતિષભાઈ પપ્પા હીરા ઘસવાનું કામ કરે છે અને મમ્મી છૂટક મજૂરી કરવાનું કામ કરે છે. મૂળ તેઓ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના છે. તેઓ યુવાનોને શીખ આપતા જણાવે છે કે, ઘણાં બધાં યુવાનો નોકરીના એક-બે પ્રયત્નો પછી નાસીપાસ થઈ જાય છે. તેઓ પોતે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યાં છે અને વચ્ચે તેમણે અભ્યાસ પડતો મૂકીને બે વર્ષ સુધી કંપનીમાં નોકરી પણ કરી હતી.પરંતુ તેમને લાગ્યું કે, પૂરતી મહેનત કરવાથી જ સફળતા હાંસલ કરી શકાશે અને તેને જ તેમણે મંત્ર બનાવીને સળંગ લાગલગાટ સાડા ત્રણ વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટે જરૂરી શારીરિક તૈયારીઓ સાથે અભ્યાસની તૈયારીઓ ખંતથી કરી હતી.જેને પરિણામે આજે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સફળતા મેળવી શક્યાં છે. તેઓ ગત વર્ષે પોલીસ ઇન્સ્પેક્ટરની લેવાયેલી પરીક્ષામાં 30 માર્કથી ઉત્તીર્ણ થવામાં રહી ગયાં હતાં. પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટેની સમગ્ર તૈયારીઓ કોઈપણ જાતના ટ્યુશન વગર કરી છે. પોતાની પત્નીના સ્માર્ટફોનમાં તેઓએ ટ્યૂબમાંથી વિડીયો જોઈ- જોઇને તેમણે પરીક્ષા માટેની તૈયારીઓ કરી હતી અને આજે તેઓ પરીક્ષામાં સફળતા હાંસલ કરવામાં સફળ થયા છે.

Previous articleભાવનગર રેલવે મંડલમાં 26 નવેમ્બરના રોજ “સંવિધાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી
Next articleશિક્ષણ સમિતિની શાળાઓમાં ૧.૨૨ કરોડનાં ખર્ચે ફાયરનાં સાધનો વસાવવામાં આવશે