ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી ઘટ્યું

120

સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા ઠંડી વધી : ઉપસાગરમાં હળવા હવાના દબાણથી માવઠાની આશંકા
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસથી પલટાયેલા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. ભાવનગર શહેરમાં છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી ઘટતા ઠંડીનો ચમકારો શરૂ થવા પામ્યો છે. અન્ય જિલ્લાઓમાં પણ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવા પામ્યો છે.છેલ્લા ૧૫ દિવસથી સતત બેવડી ઋતુ અને ગરમી બાદ ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં ૨૨ નવેમ્બરના રોજ રાત્રીના લઘુત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી રહ્યું હતું. જે આજે લઘુત્તમ તાપમાન ૧૭.૮ ડિગ્રી થઈ જવા પામેલ છે. ચાર દિવસમાં ૭ ડિગ્રીનો લઘુત્તમ તાપમાન ઘટાડો નોંધાતા રાત્રીના સમયે ઠંડીનું ચમકારો શરૂ થઈ જવા પામેલ છે જો કે તેની સામે મહત્તમ તાપમાનમાં હજુ નોંધપાત્ર ફેરફારો થયા નથી. મહત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી રહેતા દિવસના ગરમી અને રાત્રીના ઠંડીનો માહોલ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં હવામાન હળવા દબાણના કારણે આગામી દિવસોમાં માવઠાની પણ શક્યતાઓ રહેલી છે. જેના કારણે ખેતીના પાકને પણ નુકશાન થઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ વિકમાં કડકડતી ઠંડી પડશે તેવું પણ મનાઈ રહ્યું છે. લોકોએ ઠંડી શરૂ થતાની સાથે જ નવા ગરમ વસ્ત્રોની ખરીદી કરવા ઉપરાંત કબાટમાંથી જુના ગરમ વસ્ત્રો બહાર કાઢ્યા છે. હવે રાત્રીના સમયે શહેરમાં ઠંડી બચવા તાપણાઓ પણ નજર ચડશે.

Previous articleફુટબોલ : દમણ સામે ગુજરાતનો વિજય
Next articleઅભિનેત્રી સુષ્મિતા સેન આર્યા-૨નું ટ્રેલર રિલીઝ