પ્રથમ દિવસે મુમુક્ષુઓમાં માતા પિતાનું બહુમાન અને બીજા દિવસે ભવ્ય વિદાય સમારોહ યોજાયો

112

સુરત
સુરતના વેસુ ખાતે અધ્યાત્મ નગરીનો ભવ્ય દરવાજો રોડ પર પસાર થતા હરકોઇ માટે ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દરવાજાની મધ્યમાં ચાર સિંહો આગંતુકને સત્વની ત્રાડ પાડીને જાણે આવકારી રહ્યા છે. કારણ કે આ મહોત્સવનું નામ જ છે, સિંહસત્વોત્સવ. મહાપુરુષોના પુણ્ય પ્રતાપે તથા જૈનાચાર્ય ગુરુયોગની વાણીથી વૈરાગી બનેલા ૭૫-૭૫ દીક્ષાર્થીઓના આ સિંહસત્વોત્સવનો સંયમની ગર્જના સાથે આરંભ થઈ ચૂક્યો છે. મહોત્સવના પહેલા દિવસે ગુરૃવારે સવારે ’દીક્ષા એ જ સુખ’ વિષય પર યોગતિલકસૂરીશ્વરજી મહારાજાનાનું બેનમુન પ્રવચન અને બાદમાં જાજરમાન સ્નાત્ર મહોત્સવ તથા દિક્ષાર્થીઓનો મંગલમય પ્રવેશ થયો હતો. ત્યારબાદ બપોરે તમામ દીક્ષાર્થીઓના વસ્ત્રો રંગવાનો અદ્ભુત કાર્યક્રમ સંયમના રંગે રંગાયેલા વસ્ત્રો સંયમના ભાવથી રંગાયા હતા. તો દીક્ષાર્થીઓનાં માતા-પિતાનું બહુમાન કરાયુ હતુ. જેમાં સંવેદના હિતસાર શાહે તથા સંગીત મિતભાઈ તથા કેતનભાઈએ આપ્યુ હતુ. સાંજે દેવવિમાન તુલ્ય જિનાલયમાં અદ્ભૂત સાંધ્યભક્તિ તથા મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે રાત્રે તમામ મુમુક્ષુઓની વાંદોલી નીકળી હતી. વાંદોલી વેસુના રાજમાર્ગો પર ફરી હતી. દીક્ષાર્થીઓની આ વરઘોડીએ અનેક હ્ય્‌દયમાં દીક્ષાની દુંદુંભી વગાડી હતી. આ સાથે મહોત્સવના પ્રથમ દિવસે અધ્યાત્મ નગરીમાં પ્રવચન મંડપ, શોર્ય ગાથા પ્રદર્શની, બાળવાટીકા, ઊજમણુ, ફોટો ગેલેરીનું ઉદ્ધાટન થયુ હતુ. શૌર્ય ગાથા પ્રદર્શનીમાં શોરીની પાંચ કથાઓનું અદભુત મંચન થઈ રહ્યું છે. જેને નિહાળવા પહેલા દિવસથી જ ભીડ થઈ રહી છે. આજે આચાર્યદેવ અભયદેવસુરી પણ પધાર્યા હતા.
સિંહસત્વોત્સવના બીજા દિવસે શુક્રવારે સવારે ૯ વાગ્યે ૪ ફૂટના વિશાળ કળશથી પરમાત્માના અભિષેક સાથેની અપ્રતિમ અષ્ટપ્રકારી પૂજાનો પ્રારંભ થયો હતો. બપોરે ૨.૩૦ વાગ્યે દીક્ષાર્થીઓની છાબ ભરવાના અવસરે સમગ્ર સુરતની શ્રાવિકા બહેનો સાંજીમાં સંયમના ગીતો ગાઈને અઘ્યાત્મ નગરી ગજવી મૂકી હતી. સાંજે સાંધ્યભક્તિ બાદ દીક્ષાર્થીઓનો અતિ ભવ્ય વિદાય સમારંભ ભાગ-૧ યોજાયો હતી. જેમાં રજવાડી ઠાઠ સાથે દીક્ષાર્થીઓએ મંડપમાં પ્રવેશ કર્યો હતો. એ વખતે આખો મંડપ દિક્ષાર્થીઓ અમર રહોના નાદથી ગુંજી ઉઠ્‌યો હતો.
વિદાય સમારંભમાં કલાકારો દ્વારા એક અનોખા અંદાજમાં મુમુક્ષુઓનો પરિચય આપવામાં આવ્યો હતો. અંતમાં મુમુક્ષુઓએ સાવજની ત્રાડની માફક સંયમ જીવનની સફર પોતાના મુખેથી ગૌરવ સાથે વર્ણવી હતી. આવતીકાલે શનિવારે વિદાય સમારોહ દ્વિતીય થશે. રવિવારે અતિ ભવ્યથી ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળશે જ્યારે સોમવારે સવારે દિક્ષાવિધિ થશે જેમાં પણ કેશલુંચનની માહોલ જિંદગીભર નહિ ભૂલી શકાય એ પ્રકારનો અલૌકિક હશે. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા દેશભરમાંથી શ્રાવકો ઉમટી રહ્યા છે. દિક્ષાર્થીઓમાં ૨૯ મુંબઈના દિક્ષાર્થીઓ હોવાથી મુંબઈથી પણ મોટી સંખ્યામાં લોકો સુરતના મહેમાન બન્યા છે.

Previous articleસાઉથના ફિલ્મનું શુટીંગ ક્રેસેન્ટ સર્કલમાં થતા લોકોના ટોળા ઉમટ્યા
Next articleઆંતર કોલેજ જુડો સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન