ઘોઘા પોલીસની છત્રછાયામાં બુટલેગરો બેફામ, ઘરે ઘરે દેશી દારૂની હોમ ડિલિવરી કરાતાં ગામના લોકોએ રેડ પાડી

137

સરપંચ તથા જાગૃત ગ્રામજનોએ ખેપીયાને અટકાવ્યો, ખેપીયાએ હપ્તો આપી ધંધો કરતાં હોવાની કબુલાત કરી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે સરપંચ તથા જાગૃત નાગરિકોએ ગામમાં દેશી દારૂની ડિલિવરી કરવા આવતા ખેપીયાને અટકાવ્યો હતો. જેમાં તેણે પોલીસને હપ્તો આપી ધંધો કરતાં હોવાનું ખુલ્લે આમ કબુલ્યું હતું. ભાવનગર શહેર-જિલ્લામાં દેશી-વિદેશી શરાબ પરનો પ્રતિબંધ જાણે કાગળ પર જ હોય તેમ છાશવારે લાખ્ખો રૂપિયાના ઈંગ્લિશ દારૂની મોટા વાહનોમાં હેરફેર થાય છે. તો ગામડાઓમાં દેશી દારૂ બનાવતાં બુટલેગરો દેશી દારૂની ઘરે ઘરે ફરી હોમ ડિલિવરી અપાઈ રહી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક હેઠળ આવતા હાથબ ગામે છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂનો વેપલો કરતાં બુટલેગરોએ માઝા મૂકી છે. પોલીસ તંત્રના આશીર્વાદથી મોટા પ્રમાણમાં ફૂલી ફાલી રહેલ દેશી શરાબની આ બદ્દી થકી અનેક ગરીબ પરીવારોના માળા વેર-વિખેર થઈ રહ્યાં છે, તો બીજી તરફ નિરક્ષર યુવાધન દેશી દારૂના દૂષણમાં પોતાની મહામૂલી જિંદગી બરબાદ કરી રહ્યું છે. પરંતુ આ દૂષણ અટકાવવાની જેમની જવાબદારી છે, એ ઘોઘા પોલીસ દર મહિને બુટલેગરો પાસેથી પૈસા લઈ ધંધો કરવાની છુટ આપી રહી છે. હાથબ ગામમાં છેલ્લા ઘણાં સમયથી આસપાસના ગામડાઓમાં આવેલા અંતરીયાળ એરીયાઓમાં નદી-નાળાઓના કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ દિવસ-રાત ધમધમે છે. તેમજ સાંજ ઢળતાની સાથે બુટલેગરો દેશી શરાબની પોટલીઓ તૈયાર કરી ખેપીયાઓને હોમ ડિલિવરી આપવા રવાના કરે છે. જેમાં ગઈકાલે મંગળવારે એક શખ્સ બાઈકની ડિકી તથા થેલાઓમાં ખીચોખીચ દેશી શરાબની પોટલીઓ લઈ ગામમાં ડિલિવરી આપવા આવતાં હાથબ ગામનાં સરપંચ તથા અન્ય જાગૃત ગ્રામજનોએ તેને અટકાવ્યો હતો. તેમજ પુછતાછની સાથે તેનું બાઈક તપાસતાં મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. ખેપીયાએ જણાવ્યું હતું કે થળસર ગામે આવેલી દેશી દારૂની ભઠ્ઠીએથી આ દારૂ હાથબ તથા અન્ય સીમમાં વગડે રહેતાં પ્યાસીઓને ડિલિવરી આપવા જાય છે. આ ધંધા સંદર્ભે ઘોઘા પોલીસમાં નિયમિત રીતે હપ્તાઓ પણ આપવામાં આવે છે. આથી સરપંચે ખેપીયાને ટપારી ગામમાં દેશી દારૂનું દૂષણ બંધ કરી દેવા ચેતવણી આપી હતી. હવે પોલીસના જ રાજમાં બુટલેગરો બેખૌફ બની ખુલ્લેઆમ જણાવે છે કે પોલીસ હપ્તા લે છે ત્યારે વાડ જ ચિભડા ગળે ત્યાં પ્રજા ફરિયાદ કોને કરે?

Previous articleમોડી રાતથી શરૂ થયેલા ઝરમર વરસાદને કારણે ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો માલને નુકસાન
Next articleભાવનગરમાં કોરોનાના નવા વધુ ૨ કેસ નોંધાયા