જીવલેણ હુમલા કેસમાં પાલીતાણાનાં શખ્સને ૧૦ વર્ષની સજા ફટકારાઈ

239

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સર્વોદય સોસાયટીમાં અઢ્ઢી વર્ષ પૂર્વે ત્રણ શખ્સોને છરીઓ મારી જીવલેણ હુમલો કરવાના બનાવનો કેસ અત્રેની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આરોપીને ૧૦ વર્ષની કેદ અને રૂા.૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણાની સૂર્યોદય સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ શિવપ્રસાદ દવેએ ગઈ તા.૭-૩-૨૦૧૯ના રોજ તેની પુત્રીને પજવણી કરવા ઉપરાંત સંબંધ રાખતા અને ઘરે આવતા દિલુભાઈ કનુભાઈ લાંગાવદરા (ગઢવી)ને ઘરે આવવાની ના પાડતા આરોપીએ ફરીયાદી પ્રવિણભાઈને ગાળો આપી તેમજ વિવેકભાઈ, નિહાલભાઈ અને કુમુદભાઈને પેટ, છાતી સહિતના ભાગોમાં છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસી ૩૦૭,૩૨૬, ૩૨૪ સહિતની કલમો સાથે ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની આધાર પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ આરોપી સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની કેદ તથા રૂા.૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.