નાગાલેન્ડઃ ઉગ્રવાદી સમજીને સુરક્ષાદળોએ કરેલું ફાયરિંગ

13

કામ પરથી ઘરે પાછા ફરી રહેલા મજૂરોની ગાડી પર સુરક્ષાદળોનું ફાયરિંગ : મુખ્યમંત્રી દ્વારા તપાસનો આદેશ
નાગાલેન્ડ, તા.૫
નાગાલેન્ડમાં સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલી કથિત ફાયરિંગની ઘટનામાં ૧૩ નાગરિકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. મુખ્યમંત્રી નેફિયુ રિયોએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ જણાવી છે અને સુરક્ષાના આદેશ આપ્યા છે. સુરક્ષાદળોએ કઈ સ્થિતિમાં અને કયા કારણોસર ગોળીબાર કર્યો તેની વિગતવાર માહિતી હજી નથી મળી શકી. નાગાલેન્ડના સ્થાનિક મીડિયા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરક્ષાદળો ઉગ્રવાદીઓ વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા હતા, આ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યુ હતું.
અસમ રાઈફલ્સના અધિકારીઓએ જણાવ્યું કે, ઉગ્રવાદીઓના સંભવિત આંદોલનની વિશ્વસનીય ગુપ્ત જાણકારીના આધારે તિરુ, સોમ જિલા, નાગાલેન્ડમાં એક ખાસ અભિયાનની યોજના ઘડવામાં આવી હતી. કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરી દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેશનમાં સુરક્ષાદળના જવાનોને પણ ગંભીર ઈજા થઈ છે, અને એક સૈનિકનું મૃત્યુ પણ થયું છે. અસમ રાઈફલ્સના અધિકારીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, નાગાલેન્ડના ઓટિંગ, મોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે હું વ્યથિત છું. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય એસઆઈટી આ ઘટનાની તપાસ કરશે જેથી પીડિત પરિવારોને ન્યાય સુનિશ્ચિત કરી શકાય.નાગાલેન્ડમા મુખ્યમંત્રી રિયો નેફિયએ પણ કહ્યું કે, ઓટિંગ, મોનમાં નાગરિકોની હત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત નિંદનીય છે. પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છુ અને ઈજાગ્રસ્તો વહેલીતકે સ્વસ્થ થાય તેની કામના કરુ છું. આ ઘટનાની તપાસ એક ઉચ્ચ સ્તરીય એસઆઈટી કરશે અને દેશના કાયદા અનુસાર ન્યાય કરશે. તમામ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પીડિત વ્યવસાયે મજૂર હતા અને કામ પછી પિકઅપમાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. જ્યારે મોડી રાત સુધી ઘરે ના પહોંચ્યા તો ગામલોકોએ તેમને શોધવાની શરુઆત કરી અને પછી આ ઘટનાની જાણકારી તેમને મળી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોને ઈનપુટ મળ્યુ હતું કે આ સ્થળ પર ઉગ્રવાદી સંગઠન એનએસસીએનના લોકો હશે અને કોઈ ઘટના બની શકે છે. માટે ઓપરેશન પ્લાન કરવામાં આવ્યુ હતું. ઈનપુટમાં જે રંગની ગાડીની વાત હતી તે ત્યાંથી પસાર થઈ. સિક્યોરિટી ફોર્સના લોકોએ રોકવાનો આદેશ આપ્યો પણ ગાડી રોકાઈ નહીં, જેથી ફાયરિંગ કરવામાં આવી. ત્યારપછી ખબર પડી કે તેમાં નાગરિકો છે.