નવા વેરિયન્ટનો કહેર : ચાર દિવસમાં પાંચ રાજ્યમાં ૨૧ દર્દી

20

નવા વેરિયન્ટ એમિક્રોનના અત્યાર સુધીમાં કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કેસ નોંધાયા છે, રવિવારે ઓમિક્રોનના કેસો વધ્યા
નવી દિલ્હી,તા.૬
ચેતવણી પહેલેથી હતી જેની શંકા હતી તે સાચી સાબિત થવા લાગી છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી દેશમાં ફેલાઈ રહ્યો છે. ગુરુવારે કોરોનાના નવા વેરિયન્ટનો પહેલો કેસ દેશમાં મળ્યો હતો. માત્ર ચાર દિવસમાં તે ૫ રાજ્યોમાં પહોંચી ગયો છે. તેનાથી ૨૧ લોકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ ચૂકી છે. એવામાં ત્રીજી લહેરની આશંકાને બળ મળી રહ્યું છે. તો, જરૂરી થઈ ગયું છે કે, લોકો ફરીથી કડકાઈથી કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને અપનાવે. કોરોનાથી બચવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સૌથી અસરકારક સાબિત થયા છે. એ વાત સાબિત થઈ ચૂકી છે. કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોનના અત્યાર સુધીમાં કર્ણાટક, ગુજરાત, મહારાર્ષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કેસ નોંધાયા છે. આ બધા રાજ્યોમાં મળીને એમિક્રોન વેરિયન્ટના ૨૧ દર્દી નોંધાયા છે. એક્સપર્ટ્‌સે પહેલા જ આ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, નવો વેરિયન્ટ ઘણો વધુ સંક્રામક છે. તે ઝડપથી ફેલાય છે. રવિવારે એમિક્રોનથી સંક્રમણના કેસોમાં તેજી આવી. દિલ્હીમાં તેનો પહેલો કેસ નોંધવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં નવા વેરિયન્ટના વધુ ૭ કેસ સામે આવ્યા. તો, રાજસ્થાનના જયપુરમાં એક જ પરિવારના ૯ લોકોમાં ઓમિક્રોન સંક્રમણની પુષ્ટિ થઈ. આ પરિવાર દક્ષિણ આફ્રિકા આવતું-જતું રહે છે. એ રીતે અત્યાર સુધીમાં નવા વેરિયન્ટથી ૨૧ લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. મોટાભાગના મામલામાં આફ્રિકાના દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન અત્યાર સુધી ૩૮થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેમાં ભારત, શ્રીલંકા, મલેશિયા મેક્સકો, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બોત્સવાના, બ્રાઝિલ, કેનેડા, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઘાના, હોંગકોંગ, આયર્લેન્ડ, ઈઝરાયલ, ઈટાલી, જાપાન મોઝામ્બિક, નેધરલેન્ડ, નાઈઝેરિયા, નોર્વે, પોર્ટુગલ, રીયુનિયન દ્વિપસમૂહ, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્‌ઝરલેન્ડ, યુએઈ, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા બીજા દેશ પણ સામેલ છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પહેલો કેસ ૨૪ નવેમ્બરે મળ્યો હતો. તેના બે દિવસ પછી ડબલ્યુએચઓએ ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાજનક વેરિયન્ટ જાહેર કરી દીધો હતો. આ વેરિયન્ટના કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસ ૩૦૦ ટકા સુધી વધી ગયા છે. એટલું જ નહીં, કેટલાક દિવસોમાં ૩૦ લાખ કોરોના કેસ આવ્યા પછી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ ગઈ છે. બીજી લહેરમાં દેશે કોરોનાનો તાંડવ જોયો છે. ત્યારે ડેલ્ટા વેરિયન્ટે તબાહી મચાવી હતી. આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાયો હતો. એપ્રિલ-મેમાં બીજી લહેર પીક પર પહોંચી ગઈ હતી. વેક્સિનેશનની ઝડપ વધવાથી કોરોના પર ઘણી હદ સુધી અંકુશ લગાવવામાં મદદ મળી હતી. જોકે, હવે નવા વેરિયન્ટથી ફરીથી ટેન્શન વધી ગયું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચોબેએ કહ્યું હતું કે, ત્રીજી લહેર ઓછામાં ઓછા ત્રણ મહિના પછી આવશે. જોકે, વેક્સિનેશનને પગલે લોકોની પ્રતિરોધક ક્ષમતા વધશે. તેનાથી તેમને ત્રીજી લહેરનો સામનો કરવામાં મદદ મળશે. તો, આઈઆઈટી કાનપુરમાં સી૩આઈ હબના કાર્યક્રમ ડિરેક્ટર પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, આંકડા જોતા હજુ દર્દીઓના ઓછા લક્ષણ જ સામે આવ્યા છે. ભારતમાં તેની એટલી અસર જોવા નહીં મળે, કેમકે અહીં ૮૦ ટકા વેક્સિનેશનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ત્રીજી લહેર આગામી વર્ષના શરૂના મહિનામાં પીક પર હશે તે પછી દર્દીઓની સંખ્યા ઓછી થવાની શરૂ થઈ જશે. કેન્દ્ર મુજબ બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયલને ’જોખમવાળા દેશો’ની યાદીમાં સામેલ કરાયા છે. નવા નિયમો મુજબ, આ દેશોમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ જરૂરી છે. તેમને ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા પછી જ એરપોર્ટની બહાર જવાની મંજૂરી મળશે. તે ઉપરાંત અન્ય દેશોથી આવતા બે ટકા મુસાફરોની તપાસ કરાશે. આ તપાસ માટે કોઈપણ મુસાફરના નમૂના લેવામાં આવી શકે છે.