એકાગ્રતાછે સાથ, સફળતા છે હાથ – ડૉ. નિષ્ઠા મહિડા (વચનામૃત : જીવન માર્ગદર્શક)

58

ધારો કે તમને એમ કહેવામાં આવે કે તમારે ૧૦ માળની બિલ્ડિંગની અગાશી પરની ૧ ફૂટ જાડી દિવાલ પર ચાલવાનું છે. શું એ શક્ય છે? કદાચ, તમે ચાલી શકો. પણ શુ એ જ દીવાલ પર આંખે પાટા બાંધીને ચાલવાનું કહેવામાં આવે તો? તમે કહેશો,‘ ના,ભાઇ ના! જાણી જોઇને કૂવામાં કોણ પડે? તો વળી કોઈ કહેશે,‘આવું તો ક્યાંય બને ખરું?’ હા! એ શક્ય છે. ફ્રાંસના બ્લૉન્ડીન નામના ૩૫ વર્ષીય યુવાને ૧ ફૂટની દીવાલ નહિ પરંતુ ૩ ઈંચના દોરડા પર ચાલી બતાવ્યું, અને એ પણ દુનિયાના સૌથી મોટા, ઊંડા, ધસમસતા, ઘૂઘવતા પાણીના ધોધ નાયેગ્રા ફૉલ્સ પર, કે જેને જોતાં જ છાતીનાં પાટિયાં બેસી જાય!! એવા ધોધ પર ૧૦૦ ફૂટ ઊંચું અને ૧૨૦૦ ફૂટ લાંબું દોરડું બાંધીનેબ્લૉન્ડીન તેના પર એક પૈડાં વાળી સાયકલ લઇને અને કોથળામાં પગ રાખીને પણ ચાલ્યો. એટલું જ નહિ, પણ દોરડાં પર સ્ટવ લઇ જઇને તેના પર નાસ્તો રાંધીને ખાધો! જ્યારે આપણને યોગ માં એક પગે ઊભા રહીને વૃક્ષાસન કરવું પણ ભારે પડે છે ત્યારે બ્લૉન્ડીને તે દોરડાં પર ગુલાંટ લગાવી અને સ્થિર રહ્યો! બ્લૉન્ડીનમાં આ શકિત, વિશ્વાસ અને નીડરતા ક્યાંથી પ્રગટ થયા? આટલું કઠિન કાર્ય તેના માટે કેમ સાવ રમત જેવું બની ગયું?
થોડા સમય પહેલાં જ ભગવાનના દર્શન કર્યાં હોવા છતાં આપણને બધા શણગાર યાદ નથી રહેતાં! અરે, આખું વર્ષ કેટલીયવાર પુસ્તકો કે મટિરીયલ વાંચ્યું હોવાં છતાં પરીક્ષા સમયે ભૂલી જવાય છે! જ્યારે એક જ વાર વાંચીને આખું પુસ્તક યાદ રાખનારા એ સ્વામી વિવેકાનંદની ફોટોગ્રાફિક મેમરીનું રહસ્ય શું હતું? આ બંને પ્રશ્નોનો જવાબ છે “એકાગ્રતા”. એકાગ્રતા એટલે મનની સ્થિરતા. એકાગ્રતા એ એવું સાધન છે કે જેને કારણે ભીલકુમાર એકલવ્ય શ્રેષ્ઠ બાણાવાળી બની શક્યો. અને એજ એકાગ્રતાને કારણે અર્જુન ઝાડ પર રહેલા પક્ષીની આંખ વીંધી શક્યો.
તમે ઉંદર પકડવા જતી બિલાડી, માછલી પકડતો બગલો કે જીવ-જીવાત પકડતી ગરોળીને જોઈ હશે.શું તેઓ એકાગ્ર ના થાય તો ખોરાક મેળવી શકે? ના! તેમ આપણા જીવનમાં પણ ડગલે ને પગલે એકાગ્રતા ની જરૂર પડે છે. એકાગ્ર થવું એટલે ઇંદ્રિય, અંતઃકરણથી સંલગ્ન થવું. સમગ્ર વિશ્વને ઈ=સ્ઝ્ર૨ નું સૂત્ર આપનાર આઇંસ્ટાઇન એટલા એકાગ્ર થઇ જતાં કે જમવાનું પણ ભૂલી જતા! જ્યારે વિશ્વ વિખ્યાત વિજ્ઞાની એડિસન પ્રયોગ કરવામાં એટલા બધા એકાગ્ર થતાં કે એમના પોતાના લગ્નનાં બેંડ વાગતા હતા તેની પણ ખબર ન હતી! આ સામાન્ય માનવીઓ એકાગ્રતાની સીડી પર ચડીને અસામાન્ય મહાપુરૂષો બની ગયા! દરેક ક્ષેત્રમાં એકાગ્રતાની સીડી જ સૌને સફળતાના શિખરે લઇ જતી હોય છે, અને એ એકાગ્રતા માત્ર પરીક્ષા કે પ્રયોગ કે કોઇ એક કામ પૂરતી નહિ પરંતુ જીવનભરની હોય છે! સામાન્ય રીતે નુકસાન ન કરનારા સૂર્યના કિરણોને જો બિલોરી કાચથી એકાગ્ર કરાય તો તે લોખંડમાં પણ કાણું પાડી શકે છે. તેમ આ જ એકાગ્રતારૂપી વીશકોશના પ્રવાહને અધ્યાત્મના ખેતરમાં વાળીએ તો સદગુણો રૂપી પાક જરૂર લહેરી ઊઠે. BAPS સંસ્થાના વડા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે, “આધ્યાત્મિક માર્ગમાં એકાગ્ર થઈએ તો જ કામ થાય”. તેમની એકાગ્રતા તો સાવ જ અનોખી છે. ભાવનગરમાં પત્રલેખન દરમિયાન ઉપર રહેલો ગરમ બલ્બ તેમની પીઠ પરપડ્યો છતાં ખબર જ ન હતી! તો વળી ૧૯૮૩ માં હાર્ટ એટેકની બિમારીમાં તેમણે હરિલીલામૃત ગ્રંથનું વાંચન કરી રહેલા સંતને અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની દિક્ષા તિથિ પોષ સુદ પાંચમ ને બદલે મહા સુદ પાંચમ કહી તો તરત જ રોક્યા! આપણને થાય કે આવી એકાગ્રતા આપણામાં ક્યારે આવે?તો જ્યારે સમયની કિંમત સમજાય, વસ્તુનો મહિમા સમજાય અને તે કાર્ય કરવા માટે અંતરમાં ઈચ્છા હોય, તો આ બનીશ જ! વળી આજના યુગમાં ટી.વી., સિનેમા,ઈન્ટરનેટ, આળસ અને બેદરકારી વગેરે એકાગ્રતાના દુશ્મનો છે. તેનો ત્યાગ કરે ત્યારે જ એકાગ્રતા આવે. જે એકાગ્રતાના કારણે બ્રુસ-લી આંગળીના ટેરવાથી પહેલવાનને પાડી શક્યો, અર્જુન મત્સ્યવેધ કરી શક્યો, એડીસન અજવાળા પાથરી શક્યો અને બંદૂક ન જાણનારા સ્વામી વિવેકાનંદ ૭ ગોળીથી ૭ નિશાન પાર પાડી શક્યા એ એકાગ્રતા જો આપણે મેળવીએ તો દુનિયામાં એવું કયું કામ છે જે આપણાથી ન થઈ શકે ? તો આવો, આપણે પણ ધાર્યું નિશાન પાર પાડીએ “એકાગ્રતા ના સાથ સંગાથથી.”