ભાવનગરમાં ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટનો કલેક્ટરે પ્રારંભ કરાવ્યો

58

આ ટુર્નામેન્ટ તા.11થી 18 ડિસેમ્બર એમ એક અઠવાડિયા સુધી ચાલશે
સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ ચાલી રહી છે. ‘ખેલેગા ઇન્ડિયા- જીતેગા ઈન્ડિયા’ની આધારે ગુજરાતમાં ‘રમશે ગુજરાત- જીતશે ગુજરાત’ની તર્જ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ શારીરિક ક્ષમતાનું નિદર્શન કરતી રમતોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટનો આજે સવારે વહેલી સવારે કલેકટર યોગેશ નિરગુડેએ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઇ રહેલી આ ટુર્નામેન્ટ તા.11થી 18 ડિસેમ્બર એમ એક અઠવાડિયા સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટના શુભારંભ પ્રસંગે કલેકટરએ જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં રમત-ગમત પ્રત્યેનો માહોલ બને અને વધુને વધુ લોકો આ રમતો પ્રત્યે જાગૃત બને તેવા ભાવ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે રમતગમતની પ્રવૃતિઓથી જે તે રમત પ્રત્યે પોતાની કુશળતા સાબિત કરવાની તક મળશે.

તદુપરાંત મેદાની રમતો દ્વારા પોતાની જાતને પણ ચુસ્ત-દૂરસ્ત રાખી શકાશે. અત્યારથી જ અંડર-14, અંડર-16ના ખેલાડીઓ ટેનિસ રમશે તો તેઓ આગળ જતાં પોતાની પ્રતિભાને સાબિત કરી શકશે અને ભાવનગર જિલ્લાનું નામ દેશમાં રોશન કરશે. તેમણે આ ટુર્નામેન્ટમાં સફભાગી થયેલા ખેલાડીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી. રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું કે, આપણું સદભાગ્ય છે કે, ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ટેનિસ જેવી રમતો માટેના વિશેષ કોર્ટ ઉપલબ્ધ છે. તેમણે ભાવનગરવાસીઓને તેનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના નેતૃત્વમાં ભાવનગર ખાતે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ આ બીજી ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની ટેનિસ કળાનું નિદર્શન કરવાના છે. આ ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટ સબ જૂનિયર બોયઝ અને ગર્લ્સ, અંડર-14 બોયઝ અને ગર્લ્સ, અંડર-17 બોયઝ અને ગર્લ્સ, જૂનિયર્સ ડબલ્સ, મેન્સ ઓપન સિંગલ્સ, વુમન્સ ઓપન સિંગલ, મેન્સ ઓપન ડબલ્સ, મિક્સ ડબલ્સ, 30 વર્ષથી ઉપરનાની સિંગલ્સ અને એક નવતર પગલારૂપે આઝાદીનાં 75 વર્ષ જેવી વિવિધ શ્રેણીઓમાં ટૂર્નામેન્ટ રમાનાર છે. આ ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 232 લોકો ભાગ લઈ રહ્યાં છે. આ કપના ઉદઘાટન પ્રસંગે મદદનીશ કલેકટર પુષ્પલતા સહિતના અધિકારીઓ- કર્મચારીઓ અને ટુર્નામેન્ટમાં સહભાગી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.