દેશની સૌથી મોટી સિરિંજ કંપનીએ પ્લાન્ટ બંધ કર્યો

15

ઓમિક્રોનના વધતા ભયની વચ્ચે વધુ એક સમસ્યા : કંપનીએ હરિયાણા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્દેશ પર પગલું લેતાં દેશમાં સિરિંજ-સોયની અછત સર્જાઈ શકે છે
નવી દિલ્હી, તા.૧૧
દેશમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ મહામારી સામેની લડાઈમાં એક મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. દેશની સૌથી મોટી સિરિંજ નિર્માતા કંપની હિન્દુસ્તાન સિરિંજ એન્ડ મેડિકલ ડિવાઈસીસ (એચએમડી)એ તેના પ્લાન્ટ બંધ કરી દીધા છે. કંપનીએ હરિયાણા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્દેશ પર આમ કર્યું છે. આનાથી દેશમાં સિરિંજ અને સોયની તીવ્ર અછત સર્જાઈ શકે છે. દેશમાં લોકોને કોરોનાથી બચાવવા માટે તેમને રસી આપવામાં આવી રહી છે. જે રસિકરણના કાર્યક્રમને આની અસર પહોંચી શકે છે. એચએમડી દેશની કુલ સિરિંજ માંગના બે તૃતીયાંશ ઉત્પાદન કરે છે. આવી સ્થિતિમાં કંપનીના પ્લાન્ટ બંધ થવાને કારણે દેશમાં સિરિંજની ભારે અછત સર્જાઈ શકે છે. કંપની દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં ૧૧ એકરનું સંકુલ ધરાવે છે, જેમાં ૪ ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે. તેમાંથી કંપનીએ ૩ યુનિટ બંધ કર્યા છે. જેમાં કંપનીના મુખ્ય પ્લાન્ટનો સમાવેશ થાય છે. કંપનીએ હરિયાણા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્દેશ પર આ કર્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ નાથે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે, અમે અમારા સંકુલમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કંપની પાસે બે દિવસથી વધુનો બફર સ્ટોક નથી. અમે દરરોજ ૧૨ મિલિયન સિરિંજનું ઉત્પાદન કરીએ છીએ પરંતુ સોમવારથી તે ઉપલબ્ધ થશે નહીં. હાલમાં એક પ્લાન્ટમાં ૪૦ લાખ સિરિંજનું ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ સોમવારે તેને પણ બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશ અને દુનિયામાં પહેલેથી જ સિરિંજનો પુરવઠો ઓછો છે. હવે આ કટોકટી વધુ ઘેરી બની છે કારણ કે અમને સ્વૈચ્છિક ધોરણે અમારા એકમો બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. આનાથી દરરોજ ૧૫૦ મિલિયન સોય અને ૮ મિલિયન સિરિંજના ઉત્પાદનને અસર થશે. હરિયાણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ફરીદાબાદમાં ૨૨૮ એકમોને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. નાથે કહ્યું કે પ્રદૂષણ બોર્ડને લાગે છે કે પ્લાન્ટ ડીઝલ જનરેટર પર ચલાવવામાં આવી રહ્યા છે. અમે તેમને આશ્વાસન આપ્યું કે અમે આવું નથી કરી રહ્યા પરંતુ તેમણે સાંભળ્યું નહીં. અને કંપનીને ઉત્પાદન બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે ચેતવણી આપવામાં આવી હતી કે જો આમ નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે અને પ્લાન્ટને સીલ કરવામાં આવશે. એચએમડીએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. આમાં, તેમને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ સિરિંજને એક મહત્વપૂર્ણ તબીબી ઉપકરણ તરીકે જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે. કંપનીએ સ્વાસ્થ્ય મંત્રાલયને પણ પત્ર લખીને માંગણી કરી છે કે તેને હોસ્પિટલો અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર્સની જેમ વિશેષ છૂટ આપવામાં આવે.