બીલ વિના લઈ જવાતા માલ સાથેના વાહનો ડિટેઈન કરતું રાજ્ય અન્વેષણ વિભાગ

48

ચાર આઈશર સહિત અનેક વાહનનો ડિટેઈન કરી બહુમાળી ભવન મુકાવી દેવાયા : ૧૫ દિવસમાં બીલ રજુ નહી કરે તો પેનલ્ટી સાથે વેરો વસુલ કરવામાં આવશે
રાજ્યભર સહિત ભાવનગરમાં જીએસટી ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેના ભાગરૂપે ભાવનગર ખાતેની રાજ્ય અન્વેષણ વિભાગ દ્વારા સતત મોબાઈલ ચેકીંગ હાથ ધરવામાં આવે છે અને સમયાંતરે બીલ વિના લઈ જવાતા માલ સાથેની ગાડીઓ ડીટેઈન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં તાજેતરમાં અન્વેષણ વિભાગ દ્વારા ચાર આઈશર સહિત અનેક વાહનો ડિટેઈન કરી બહુમાળી ભવન ખાતે મુકાવી દેવામાં આવ્યા છે. આથી બિલ વિના માલની હેરફેર કરતા વાહન ચાલકોમાં અને કારખાનેદારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. ભાવનગર જીએસટી ચોરીમાં ખુબજ આગવુ નામ ધરાવે છે અને મસમોટા કૌભાંડમાં ભાવનગરના અનેક વ્યપારીઓ ઝપટે ચડી ગયા છે. છતા હજુ જીએસટી ચોરી સતત થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો થઈ રહી છે. જો કે ભાવનગર ખાતેની રાજ્ય અન્વેષણ વિભાગ કચેરી દ્વારા મોબાઈલ ચેકીંગ સતત હાથ ધરાઈ છે. જેમાં તાજેતરમાં બીલ વિના સ્ક્રેપ સહિત અલગ અલગ માલો લઈ જતી ચાર આઈસર, છોટા હાથી સહિત અનેક વાહનો મોબાઈલ ચેકીંગ ટીમ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા છે. અને બહુમાળી ભવન ખાતે મુકાવી દેવાયા છે. અને આ તમામ ગાડીઓને માલનું બિલ રજુ કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો સમય દરમિયાન બિલ રજુ નહી થાય તો પેનલ્ટી સાથે દંડ વસુલ કરવામાં આવશે તેમ પણ જાણવા મળેલ છે. ભાવનગરની કચેરી દ્વારા સતત મોબાઈલ સ્કવોર્ડ દ્વારા સતત ચેકીંગ કરાઈ છે. અને દર મહિને અંદાજે એકાદ કરોડની પેનલ્ટી સાથે વેરો વસુલ કરાવમાં આવે છે. તેમ જાણવા મળેલ છે.