કાશી તો અવિનાશી છે, અહીં એક જ સરકાર છે,જેના હાથમાં ડમરું છે : મોદી

23

કાશી વિશ્વનાથ કોરિડોરનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યુ : ભૂતકાળમાં અત્યાચારીઓએ કાશી પર નજર બગાડી હતી પણ અહીંયા ઔરંગઝેબ આવે છે તો શિવાજી પણ ઉભા થાય છે : વડાપ્રધાન મોદી
વારાણસી,તા.૧૩
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. મોદીએ ૨૦૧૪ની ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટથી નામાંકન કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે મા ગંગાએ બોલાવ્યો છે. મા ગંગા અને કાશી સંલગ્ન સૌથી મોટું વચન પીએમ મોદીએ આજે પૂરું કર્યું અને કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું બનારસ આવ્યો હતો ત્યારે મને વિશ્વાસ હતો. મને મારા કરતા બનારસના લોકો પર વિશ્વાસ હતો. કેટલાક લોકો કહેતા હતા કે કેવી રીતે થશે? આ તો થશે જ નહીં. મોદી જેવા અનેક લોકો આવીને જતા રહ્યા. બનારસ વિશે ધારણાઓ બનવા લાગી. આ જડતા બનારસની નહતી. અંગત સ્વાર્થ માટે બનારસ પર આરોપ લગાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે કાશી તો કાશી છે, કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેના હાથમાં ડમરું છે, તેની સરકાર છે. જ્યાં ગંગા પોતાની ધારા બદલીને વહેતી હોય, તે કાશીને ભલા કોણ રોકી શકે? અહીં બધુ મહાદેવની ઈચ્છાથી થાય છે. જે પણ કઈ થયું તે બધુ મહાદેવે કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા પુરાણોમાં કહ્યું છે કે જેવો કોઈ કાશીમાં પ્રવેશ કરે છે તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, એક અલૌકિક ઉર્જા અહીં આવતા જ આપણા અંતરાત્માને જાગૃત કરી દે છે. તેમણે વધુમાં કહ્યું કે તમે જ્યારે અહીં આવશે તો ફક્ત આસ્થાના દર્શન નહીં કરો. પ્રાચીનતા અને નવીનતા એક સાથે સજીવ થઈ રહી છે, કેવી રીતે પુરાતનની પ્રેરણાઓ ભવિષ્યને દિશા આપી રહી છે તેના પણ સાક્ષાત દર્શન વિશ્વનાથ ધામ પરિસરમાં આપણે કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધાનું આ સમગ્ર પરિસર એક ભવન ભર નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશે. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. હજારો વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે બાબા વિશ્વનાથના ચરણોમાં શીશ નમાવું છું. હમણા જ હું બાબા સાથે નગર કોટવાલ કાળ ભૈરવજીના પણ દર્શન કરીને આવું છું. કાશીમાં કઈ પણ નવું થાય તો સૌથી પહોલા તેમને પૂછવું જરૂરી છે. સીએમ યોગીએ ઉદ્ધાટન સમારોહને સંબોધતા કહ્યું કે હજારો વર્ષોની પ્રતિક્ષા આજે પૂરી થઈ. ભારતમાતાના મહાન સપૂતે આ સપનાને પૂરું કર્યું. સમગ્ર કાશી, દરેક ભારતવાસી અને દુનિયાભરમાં ભારતીય પરંપરાના દરેક અનુગામી પીએમ મોદીનો આજે આભાર માની રહ્યા છે. છેલ્લા ૧૦૦૦ વર્ષમાં કાશીએ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કર્યો. ઈન્દોરની મહારાણી આહિલ્યાબાઈએ મંદિરના જીર્ણોદ્ધારમાં યોગદાન આપ્યું. પરંતુ કાશી વિશ્વનાથ એક એવું સ્વરૂપ હશે જેની પરિકલ્પના ફક્ત મોદીએ કરી. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની ૧૦૦ વર્ષ જૂની પીડા દૂર થઈ. ૧૦૦ વર્ષ પહેલા જ્યારે તેઓ કાશી આવ્યા હતા ત્યારે અહીંની સાંકડી ગલીઓ અને ગંદકી જોઈને તેમને ખુબ દુખ થયું હતું. અનેક લોકો બાપુનું નામ લઈને સત્તામાં આવ્યા પરંતુ તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી થઈ નહીં. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનારા મજૂરો પર પુષ્પવર્ષા કરી. એટલું જ નહીં તેમણે તમામ મજૂરો સાથે ફોટો પણ પડાવ્યો. પીએમ મોદી કળશમાં જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. પીએમ મોદીએ ૧૨ જ્યોતિર્લિંગથી લાવવામાં આવેલું જળ બાબાને ચડાવ્યું. પીએમ મોદીએ લલિતા ઘાટ પર માતા ગંગાનને પ્રણામ કર્યા અને નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કળશમાં જળ લીધુ અને પછી પગપાળા જ કાશી વિશ્વનાથ મંદિર જવા માટે રવાના થયા હતાં પીએમ મોદી કાળ ભૈરવ મંદિરે ગયા અને ત્યાં પૂજા અર્ચના કરી. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.