કોહલીને વન-ડે ટીમમાં સમાવવા BCCI ના પ્રયાસ

94

મુંબઈ, તા.૧૫
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) તે દરેક વિકલ્પ શોધી રહ્યું છે, જેથી વિરાટ કોહલી આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ઓડીઆઈ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે. એ વાતને નકારી શકાય નહીં કે વિરાટે ઓડીઆઈ દરમિયાન બ્રેક લેવાની વાત બોર્ડ સાથે કરી હતી. પરંતુ આ વાતચીત જૂની છે, જ્યારે કોહલી વનડેનો કેપ્ટન હતો, તેથી તેને કેપ્ટનશિપ છોડ્યા પછી નારાજ થવા સાથે કોઈ લેવાદેવા નથી. હાલ ભારતીય બોર્ડની સામે સૌથી મોટો ટાસ્ક એ જ બતાવવાનું છે કે, ટીમ ઈન્ડિયામાં બધું ’ઓલ ઈઝ વેલ’ છે. ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને ગુરુવારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા માટે મુંબઈની ટીમ હોટલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ મંગળવારે પોતાની પ્રેસ રિલીઝમાં જાણકારી આપી કે દક્ષિણ આફ્રિકા રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયા બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરશે અને કેપ્ટન વિરાટ પોતે પત્રકારોના સવાલોના જવાબ આપશે. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જ વિરાટ ઓડીઆઈ સિરીઝમાં પોતાની ભાગીદારી સાફ કરશે. ભૂતકાળમાં સફેદ બોલ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા પછી, બીસીસીઆઈએ રોહિત શર્માનો પહેલો ઇન્ટરવ્યુ જાહેર કર્યો હતો. જ્યાં હિટમેને વિરાટની કેપ્ટનશિપ પર કહ્યું કે, ’તેણે પાંચ વર્ષ સુધી ટીમને લીડ કરી. અમે દરેક મેચ જીતવાના ઈરાદા સાથે બહાર જતા હતા અને આ જ મેસેજ આખી ટીમને આપવામાં આવતો હતો. અમે વિરાટની કપ્તાનીમાં રમવાનો ખૂબ આનંદ લીધો. મેં તેમની કપ્તાનીમાં ઘણું ક્રિકેટ રમ્યું અને દરેક ક્ષણનો આનંદ માણ્યો. બોર્ડ આ બંને ખેલાડીઓની આ જ જુગલબંધી મેદાન પર પણ જોવા માંગે છે. આનાથી ટીમમાં અલગ સકારાત્મકતા આવશે. બીસીસીઆઈના એક અધિકારીએ વાત કરતા કહ્યું, ’અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, જો કોહલી પોતાની યોજનામાં ફેરફાર કરે છે અને ઓડીઆઈ શ્રેણી રમવા માટે તૈયાર છે, તો તે ટીમ માટે શ્રેષ્ઠ રહેશે. સેન્ચુરિયન ખાતે ૨૬ ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં કોહલી ભારતનું નેતૃત્વ કરશે. ટેસ્ટ શ્રેણીનો અંત ૧૫ જાન્યુઆરીએ કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ સાથે થશે. આ પછી ૧૯ જાન્યુઆરીથી ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. વાઇસ-કેપ્ટન રોહિત શર્મા તેના ડાબા પગમાં હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા બાદ એવા સમાચારો આવી રહ્યા હતા કે, કોહલી તેના પરિવાર સાથે સમય પસાર કરવા માટે બ્રેક લેશે.

Previous articleકરિશ્મા પરિવાર-મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે
Next articleસુરક્ષા.. શું ??? રક્ષા ???