આજે અને કાલે રાજ્યભરમાં જાહેર ક્ષેત્રની બેન્કો બંધ રહેશે

15

કર્મચારીઓ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે : આગામી બે દિવસ આખા ગુજરાતમાં સરકારી બેન્કોના ૭૦,૦૦૦ જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે
અમદાવાદ,તા.૧૫
જો તમારે બેન્કનું કોઈ જરુરી કામ હોય તો આજે જ પતાવી દેજો, કારણકે સમગ્ર ગુજરાતમાં ગુરુવાર અને શુક્રવારના રોજ જાહેર ક્ષેત્રની બેન્કો બંધ રહેવાની છે. ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિક ખાનગીકરણના વિરોધમાં બેન્કના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ બે દિવસ હડતાલ રાખવાની જાહેરાત કરી છે. મહા ગુજરાત બેન્ક એમ્પલોઈસ અસોસિએશનના અનુમાન અનુસાર બે દિવસ સુધી ગુજરાતમાં લગભગ ૪૮૦૦ બેન્ક શાખાઓ બંધ રહેવાની છે, જેના પરિણામે ૨૦,૦૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સીનિયર વાઈસ-પ્રેસિડન્ટ પથિક પટવારી જણાવે છે કે, બેન્કો બંધ રહેશે તો વેપાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થશે. બેન્ક કર્મચારીઓની ફરિયાદ અને સમસ્યા ચોક્કસપણે સ્વાભાવિક અને ગંભીર હશે પરંતુ આ રીતે બેન્કો બંધ રાખવાથી બિઝનેસને કોઈ ફાયદો નહીં થાય. ગામડાઓ અને નાના શહેરોમાં સરકારી બેન્કોનું નેટવર્ક ઘણું વધારે છે. માટે જો સતત બે દિવસ બેન્કો બંધ રાખવામાં આવશે તો આ જગ્યાઓએ પણ વેપાર ઘણો પ્રભાવિત થશે. ઉલ્લેખનીય છે કે આ બે દિવસ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો થઈ શકશે પરંતુ જે કામગીરી બેન્કમાં આવીને કરવાની હોય છે તે બેન્ક ખુલ્યા પછી જ પૂરી થઈ શકશે. આ હડતાલમાં આશરે ૭૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે તેવી શક્યતા છે. માત્ર ગુજરાત જ નહીં, દેશભરના બેન્ક કર્મચારીઓ આ ખાનગીકરણના વિરુદ્ધ છે. સ્ય્મ્ઈછના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો વિરોધ કરવા માંગે છે. આ એક્ટ અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી યોજનાઓ જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે છે. આ બેન્કોને વધારે મજબૂત કરવાના સ્થાને સરકાર તેમને બંધ કરવાની યોજના તૈયાર કરી રહી છે.