આણંદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદ કાર્યક્રમનું ભાવનગરમાં જીવંત પ્રસારણ કરાયું, વડાપ્રધાને વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશનું માર્ગદર્શન કર્યું

101

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિને લઈ જે પ્રયોગો કર્યા છે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલને અભિનંદન આપ્યાં
ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે તેને વાસ્તવમાં સાકાર કરવાં માટે ખેડૂતો વિવિધ કૃષિ પદ્ધતિઓ અને સંશોધનોના ઉપયોગ દ્વારા પોતાની કૃષિ આવકમાં વધારો કરી શકે તે માટે રાષ્ટ્રીય કક્ષાની પરિષદ ગુજરાતના આણંદ ખાતે યોજાઈ હતી. તે અંતર્ગત ભાવનગરના મોતીબાગ ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પરિષદના સમાપનના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશનું માર્ગદર્શન કર્યું હતું. આ અવસરે તેઓએ જણાવ્યું કે, આ પરિષદ દેશના ખેડૂતોનો કાયાકલ્પ કરવામાં આ પરિષદ મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતમાં થયેલા કૃષિ પ્રયોગો દેશનું દિશાદર્શન કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિના જે પ્રયોગો કર્યા છે તેનો લાભ સમગ્ર દેશના ખેડૂતોને મળશે. વડાપ્રધાને રાજ્યપાલના આ પ્રયત્નો માટે રાજ્યપાલને અભિનંદન આપ્યાં હતાં. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, નવા પડકારો સામે સુસજ્જ થઈ બીજ થી બજાર સુધી નવા ઢાંચામાં ઢળવાનો આ સમય છે. પી.એમ. સન્માન નીધિ, સિંચાઈ, બીજ ઉત્પાદન, કૃષિ પેદાશના સંગ્રહ ડેપો વગેરેની દેશમાં વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તદુપરાંત પશુપાલન, મધુમક્ષિકાપાલન, મચ્છીપાલન જેવાં વૈકલ્પિક વ્યવસાયો દ્વારા પણ કૃષિકારોની આવક વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કૃષિને ‘પ્રકૃતિની પ્રયોગશાળા’ સાથે જોડવાની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે, ‘બેક ટૂ બેઝિક’ એટલે કે, પોતાના મૂળ સાથે ફરીથી જોડાવાની આજે જરૂર છે. જે રીતે છોડનાં મૂળને પોષણ આપવામાં આવે તો તેની વૃદ્ધિ થાય છે તે જ રીતે કૃષિકારોને જો પૂરતી સગવડ,મદદ આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન સાથે અગ્રેસર થવા તૈયાર છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે જ કૃષિનું સકળ ઘરેલૂ ઉત્પાદનમાં ખેતીનું યોગદાન વધે તે માટે તેમણે દેશમાં સૌ પ્રથમ કૃષિને સમૃદ્ધ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતાં. સરકાર દ્વારા માટે સુક્ષ્મ સ્તર સુધી સિંચાઇ વ્યવસ્થા પહોંચાડી દસ વર્ષ સુધી સતત 10 ટકાનો કૃષિ વિકાસ દર ગુજરાતે જાળવી રાખ્યો હતો. પ્રાકૃતિક ખેતીને પુનર્જીવિત કરવાનું કાર્ય વડાપ્રધાનએ કર્યું છે. પ્રાકૃતિક ખેતીથી જ શુદ્ધ-સાત્વિક આહાર ઉપલબ્ધ બને છે. ભૂગર્ભ જળનું સ્તર વધે છે. ખેતી રાસાયણિક ખાતરોથી બચે છે જેથી જમીનનું પ્રદૂષણ અટકે છે. તેમણે દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ભારત વિશ્વમાં નેતૃત્વ કરી રહ્યું છે. ભારતની સહમતી વગર આજે વિશ્વમાં કોઇપણ નિર્ણય લેવાતો નથી એવું મહત્વ આજે ભારતનું વિશ્વમાં પ્રસ્થાપિત થયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે તેમણે કરેલાં પ્રયોગોની વિસ્તૃત સમજ આપીને સ્વચ્છતા અને આત્મનિર્ભર ભારત માટે કટિબદ્ધ એવાં વડાપ્રધાન કૃષિને પણ સર્વોચ્ચ સ્તરે લઇ જવા કટિબદ્ધ છે. તેમણે પ્રાકૃતિક ખેતીને દેશના દરેક ગામ સુધી પહોંચાડવા માટે પરિશ્રમની પરાકાષ્ટાથી પૃથ્વી માતાને ઝહેરથી બચાવી અમૃતમય બનાવવા હાકલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીમાં રસાયણોનો ઉપયોગ ઘટાડીને ખેતીને અમૃતમય બનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્યનો ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયો છે. તેમણે ‘લોકલ થી વોકલ’ દ્વારા ખેત ઉત્પાદન વધારી ગુજરાત દેશનું નેતૃત્વ લેશે. ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત વાઇબ્રન્ટ સમિટની પ્રિ- ઈવેન્ટ રૂપે આણંદ ખાતે 14 થી 16 ડિસેમ્બર દરમિયાન આ કૃષિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્રામ પંચાયતોમાં પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા ખેતીવાડી અધિકારી સંજય કોસાંબી, કૃષિ વિભાગના અધિકારીઓ, ખેતીવાડીના આત્મા વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગરના પૂર્વ ઝોનમાં આવેલ CHC સેન્ટર ખાતે ધારાસભ્યના હસ્તે મેડિકલ સાધનો તથા પાણીના ટેન્કરનું લોકાર્પણ કરાયું
Next articleરાણપુર તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૩૪૦ કર્મચારીઓ ફરજ બજાવશે..